Published By : Disha PJB
સુરતમાં આવેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. સુરત શહેરના નિચાણવાળા વિસ્તારમાં એક ફૂટથી લઈ ત્રણ ફૂટ સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સહારા દરવાજા રેલવે ગરનાળા નીચે એસટીની બસ પણ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. આશરે અઢી ફૂટ પાણીમાં એસટી બસ ફસાઈ જવાના કારણે બસમાંથી તમામ યાત્રીઓ એક બાદ એક બસમાંથી બહાર નીકળ્યા હતા.

સુરત શહેરમાં છેલ્લા વહેલી સવારથી પડી રહેલા અવિરત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને નીચાણ વાળા વિસ્તારમાં એકથી બે ફૂટ પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી હતી.
આ બાબતે એસ.ટી વિભાગના અધિકારી પી.વી.ગુર્જરએ જણાવ્યું હતું કે, વરસાદના પાણીમાં બસ ફસાઈ ગઈ હતી અને બંધ થઈ ગઈ હતી. બસના યાત્રીઓ પોતે જ નીકળી ગયા હતા. કોઈ પણ પ્રકારની હાનિ થઈ નથી. જોકે ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી તેથી બસ કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ શકે તેવી પરિસ્થિતિ નહોતી. આશરે દોઢ કલાક બાદ ટ્રાફિક ઓછું થતા ત્યાં ક્રેન મોકલવામાં આવી હતી અને ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બે દિવસથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. અને 19 થી 20 જુલાઈ સુધી સુરત જિલ્લમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ એટલે કેટલાક વિસ્તારમાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આજે અત્યાર સુધીમાં સુરત શહેરમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હાલ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.