Published By : Disha PJB
આ દુનિયામાં જે આવ્યું તેને જવું પડે છે. આ વાક્ય સત્ય છે. પરંતુ ઈશ્વર ઘણીવાર એવી રચના કરી જાય છે કે, લોકોને યાદ રહી જાય છે. સુરતમાં ત્રણ દિવસ પહેલા પિતાએ પોતાની માસુમ દીકરીને સુવડાવી પોતે આપઘાત કરી લીધો હતો આ ઘટના સામે આવતા જ પોલીસ જ નહિ પરંતુ ઘટના સ્થળ ઉપર હાજર તમામ લોકોની આંખોમાં પાણી આવી ગયું હતું. આજે આજ દીકરીના હાથે તેમના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જો કે તે સમય એવો હતો કે સ્મશાનમાં હાજર પોલીસ કર્મચારીઓથી લઈ સ્મશાનના કામ કરતા લોકોની આંખોમાં પણ પાણી આવી ગયા હતા.

આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી આર પટેલે જણાવ્યું હતું કે, 6 વર્ષની માસુમ નેન્સી દીકરીના માતાનું કોરોનામાં મોત થયું હતું. અને ત્રણ દિવસ પેહલા પિતાએ આપઘાત કર્યો હતો. આ બાળકીના શિક્ષણની પણ તમામ જવાબાદારી ઉઠાવાના છીએ. જો કે, આજે આ બાળકીનો ખરેખર પરિવાર અને પરિવારના સ્વરૂપે પોલીસ કર્મચારીઓ જોવા મળ્યાં હતાં. પોલીસે બાળકીના હાથે તેના પિતાના અંતિમસંસ્કાર કરાવ્યા છે. માસૂમ બાળકીને સાથે લઈ જઈને સ્મશાનભૂમિમાં અગ્નિદાહ અપાવ્યો.

હાલ તો એકાએક નોધારી બનેલી આ નાનકડી બાળા નામે નેન્સીને અમારી ‘શી’ ટીમ તેની સાર-સંભાળ રાખી રહી છે. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધારકાર્ડના સરનામે પોલીસે તપાસ કરાતાં ત્યાં કોઈ મળ્યું ન હતું, પરંતુ તેના એક વર્ષના પુત્રને દત્તક લેનારા જૂનાગઢ વિસાવદરના ભટ્ટ પરિવારની માહિતી મળી હતી. જેથી લોકોને પોલીસે અપીલ કરી છે કે આ બાળકીના વાલીવારસને જાણતા હોય તો સરથાણા પોલીસને જાણ કરવા વિનંતી. જો બાળકીના વાલી વારસ નહીં મળે તો આગળની કાર્યવાહી કરાશે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.




