- પોલીસ દ્વારા સર્ટીફીકેટ અને 5 હજાર રૂપિયાનો ચેક આપી યુવકનું સન્માન…
સુરત SP ઓફિસે બારડોલીમાં રૂ. 20 લાખની ચોરી મામલે 20 લાખ રૂપિયા પકડનાર યુવકને સર્ટીફીકેટ અને 5 હજાર રૂપિયાનો ચેક આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.
સુરતના સ્ટેશન રોડ ઉપર પોલીસ સ્ટેશન પાસે ગત ૧૨મી ઓક્ટોબરના રોજ બે ઈસમો ઇક્કો ગાડીનો કાચ તોડી એક બેગ લઈને ભાગી રહ્યા હતા. ત્યાં ચોર ચોરોની બુમો પડવા લાગી હતી. તે દરમિયાન યુવકે બે ઈસમોનો બે કિલોમીટર સુધી પીછો કર્યો હતો. સાથે જ મોબાઈલમા વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો. જેને પગલે બન્ને ઈસમો બેગ ફેંકીને નાસી ગયા હતા. યુવક બેગ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. તે દરમિયાન તપાસ કરતા જાણ થઇ હતી કે બેગમાં 20 લાખ રૂપિયા હતા. બાદમાં પોલીસે બન્ને ઇસમોને પકડી પાડ્યા હતા.
સુરત SP ઓફિસે આ મામલે 20 લાખ રૂપિયા પકડનાર 30 વર્ષીય યુવક આદિલ મેમણનું સન્માન કર્યું હતું. SP હિતેશકુમાર જોઈશર તથા એસીપીએ આદિલ મેમણની બહાદુરી માટે સર્ટીફીકેટ અને 5 હજાર રૂપિયાનો ચેક આપી સન્માન કર્યું હતું.
આ અંગે આદિલ મેમણે કહ્યું હતું કે આજે મારૂ સન્માન કરવામાં આવ્યું છે મને ખુબ જ આનંદ થઈ રહ્યો છે. હું ખુબ ગર્વની લાગણી અનુભવું છું. મારા મનમાં ડર હતો કે આ લોકો મારો પીછો કરીને મારી પર હુમલો કરી શકે છે. બંને ઈસમોને પોલીસે પકડી પણ લીધા છે. અને હું અન્ય યુવાઓને કહેવા માગું છું કે, જ્યારે કોઈ આવી ઘટના બને ત્યારે ડરો નહીં તેનો સામનો કરો. જો આપણે એકબીજાની હેલ્પ કરીશું તો જ સમાજમાં બની રહેલી આવી ઘટનાઓ અટકશે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)