Published by : Vanshika Gor
ભારતીય મહિલાઓ પુરૂષો સાથે સમાનતા માટેની તેમની લડાઈમાં વધુ એક પગલું આગળ વધી રહી છે. આઝાદીના 75 વર્ષ બાદ પહેલીવાર ભારતીય સેનામાં 108 મહિલાઓ કર્નલ બનવા જઈ રહી છે. બસ હજુ થોડાં દિવસો રાહ જુઓ… પછી તમે આ મહિલા કર્નલને સેનામાં કમાન્ડિંગ રોલમાં જોશો. રિપોર્ટ અનુસાર તેને સમગ્ર આર્મી યુનિટની કમાન્ડિંગની જવાબદારી મળી શકે છે. આ મહિલા આર્મી ઓફિસરોના પ્રમોશનની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અત્યાર સુધી લગભગ 80 મહિલાઓને ભારતીય સેનાના કર્નલ પદ માટે પસંદ કરવામાં આવી છે. સેનામાં મહિલાઓના પ્રમોશનની આ પ્રક્રિયા 9 જાન્યુઆરી 2023ના રોજ શરૂ થઈ હતી, જે 22 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થશે. તેમની પોસ્ટિંગ જાન્યુઆરી 2023ના અંત સુધીમાં કરવામાં આવશે.
108 વેકેન્સી માટે 244 મહિલાઓ
આર્મી અધિકારીઓએ જણાવ્યું છે કે, આર્મીની વિવિધ શાખાઓમાં કર્નલના પદ માટે કુલ 108 જગ્યાઓ ખાલી હતી. (દા.ત. એન્જિનિયર, સિગ્નલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયર્સ, આર્મી એર ડિફેન્સ, આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ, ઇન્ટેલિજન્સ કોર્પ્સ, આર્મી સર્વિસ કોર્પ્સ). આ માટે 244 મહિલા અધિકારીઓની વિચારણા કરવામાં આવી છે.
શોર્ટલિસ્ટ કરાયેલી 244 મહિલાઓ 1992થી 2006 બેચની છે. હાલમાં તે સેનામાં લેફ્ટનન્ટ કર્નલ છે. કર્નલના હોદ્દા પર બઢતી મેળવીને તે તેના પુરૂષ સાથીદારોની બરાબરી પર આવી જશે. આ સિવાય એકમોને આદેશ આપવા માટે પણ અધિકૃત કરવામાં આવશે.
મહિલાઓ બની ઓબ્જર્વર..જેથી ભેદભાવ ન થાય
વિશેષ નંબર 3 પસંદગી મંડળની આ ખાલી જગ્યા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. સરકારનું આ પગલું સેનામાં મહિલા અધિકારીઓની જીત છે, જેઓ લાંબા સમયથી પોતાના અધિકારો માટે લડી રહી હતી. સેનામાં મહિલાઓ અને પુરુષો વચ્ચે સમાનતા (લિંગ સમાનતા) સુનિશ્ચિત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે
રિપોર્ટ અનુસાર પ્રમોશન માટે ચાલી રહેલી પસંદગી પ્રક્રિયામાં 60 મહિલાઓને નિરીક્ષક બનાવવામાં આવી છે. તેઓ પસંદગી મંડળનો ભાગ છે, જેથી પસંદગી પ્રક્રિયામાં કોઈ ભેદભાવ ન થાય. આ એવી મહિલાઓ છે જેઓ સેનામાં પુરૂષો અને મહિલાઓ માટે બનાવેલા નિયમોથી એક યા બીજી રીતે પ્રભાવિત થયા છે.