- 3 દિવસમાં 6.8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
ગ્લોબલ માર્કેટથી મળેલા કમજોર સંકેતોની અસર ભારતીય બજારોમાં જોવા મળી રહી છે. અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે સેન્સેક્સમાં 700થી વધુ અંક ગગડ્યો છે. નિફ્ટી 17200 ની નીચે સરકી છે. સેન્સેક્સના 30માંથી 26 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
એનએસઈના ઓટો, મેટલ, પીએસયુ બેંક, રિયલ્ટી અને મીડિયા સેક્ટર 3% થી વધુ તૂટ્યા. અન્ય સેક્ટરમાં વેચાણને કારણે માર્કેટમાં દબાણ વધ્યું છે. મિડકેપ અને સ્મોલકેપ લગભગ 3% નબળું છે. બીજી તરફ રૂપિયો પણ 56 પૈસાની નબળાઈ સાથે ખુલ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 81.55ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો છે.
શુક્રવારે અમેરિકી માર્કેટ 2.5%થી વધુના ઘટાડા સાથે બંધ થયું હતું. ડાઉ 500 અંકની આસપાસ ગગડીને 22 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. એશિયાઈ માર્કેટમાં પણ દબાણ છે. લગભગ તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ડાઉ જોન્સ, નાસ્ડેક અને એસએન્ડપી 1.6%, 1.8% અને 1.7% ઘટીને બંધ થયા છે.
3 દિવસમાં 6.8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
છેલ્લા સપ્તાહના છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસ બજારમાં ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એક્સચેન્જના આંકડા અનુસાર, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 276.6 લાખ કરોડ થયું છે. રોકાણકારોને ત્રણ દિવસમાં 6.8 લાખ કરોડનું નુકસાન થયું છે.