પૃથ્વી અને મંગળ વચ્ચે સૂર્યનું ચક્કર લગાવનાર ઉલ્કાપિંડ રીયૂગૂ પર જીવન શક્ય કરનાર તત્વ મળ્યા છે. આ ઉલ્કાપિંડ સૌર મંડળથી પણ જૂનુ છે એટલે કે સૌર મંડળ બન્યા પહેલાથી આ હાજર છે. જાપાનના હાયાબુસા 2 સ્પેસક્રાફ્ટે વર્ષ 2020માં આ એસ્ટ્રોયડ પરથી માટીનું 5 ગ્રામ સેમ્પલ લીધુ હતુ. પછી તે ધરતી પર પાછુ આવ્યુ.
જ્યારે આ માટીની તપાસ કરવામાં આવી તો તેની અંદર જીવનને શક્ય કરનાર તત્વ મળ્યા. આની માટીમાં કાર્બન સિવાય 15 અલગ-અલગ પ્રકારના અમીનો એસિડ મળ્યા છે. જે જીવનની ઉત્પત્તિ માટે મહત્વપૂર્ણ છે. આ તત્વ હાલ જીવિત નથી પરંતુ આ જીવનની ઉત્પત્તિ કરી શકે છે. તેથી વૈજ્ઞાનિક આ અમીનો એસિડને પ્રીબાયોટિક કહી રહ્યા છે.
જીવન આપતા આ તત્વોમાં ઉલ્કાપિંડ પર જીવિત રહેવાની ક્ષમતા છે કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી પરંતુ પ્રીબાયોટિક તત્વોના મળવાથી એ વાત તો નક્કી થઈ ચૂકી છે કે ખરાબ પર્યાવરણમાં પણ જીવનની વ્યવસ્થા થઈ શકે છે. ખરાબ પર્યાવરણનો અર્થ છે વધારે સૌર લહેર, ગરમી, અલ્ટ્રાવાયોલેટ ઈરેડિએશન સાથે જ તીવ્ર વેક્યુમ જેવી સ્થિતિ છે.
ક્યૂશૂ યુનિવર્સિટીના પ્રમુખ સંશોધનકર્તા હિરોશી નારાઓકાએ જણાવ્યુ કે રીયૂગૂની માટીથી જાણ થાય છે કે તે જીવનના તત્વોને બચાવવામાં સક્ષમ છે. આનો અર્થ એ છે કે ઉલ્કાપિંડ સમગ્ર સૌર મંડળમાં જીવન ફેલાવવામાં મદદ કરી શકે છે અથવા તેણે ફેલાવ્યુ હશે. આનો અર્થ એ પણ થઈ શકે છે કે ધરતી પર પણ કોઈ એસ્ટ્રોયડ દ્વારા જીવન આવ્યુ હોય.
રીયૂગૂ ઉલ્કાપિંડ તે સમયે બન્યુ હતુ જ્યારે સૌર મંડળ પણ બન્યુ નહોતુ. પ્રીમૉર્ડિયલ ક્લાઉડના સમયે આ ઉલ્કાપિંડ બન્યુ હતુ જ્યારે ઈન્ટરસ્ટેલર ધૂળ ફરી રહી હતી. આનો અર્થ એ છેકે જીવનની ઉત્પત્તિ માટે જરૂરી તત્વ સૌર મંડળ બન્યા પહેલા હાજર હતા. રીયૂગૂ એક કાર્બનયુક્ત ઉલ્કાપિંડ છે એટલે કે સૌર મંડળમાં હાજર 75 ટકા ઉલ્કાપિંડોની જેમ જે કાર્બનથી બનેલુ છે.
આ ઉલ્કાપિંડની ઉત્પત્તિનો સમય 450 કરોડ વર્ષ પહેલાનો માનવામાં આવે છે એટલે કે તેની પર હાજર જીવનના તત્વ તેટલા પ્રાચીન હોઈ શકે છે. જાપાની સ્પેસ એજન્સી પાસેથી નાસાએ રીયૂગૂનું સેમ્પલ માગ્યુ હતુ. તેને 5 ગ્રામનું 10 ટકા સેમ્પલ મળ્યુ હતુ. આવુ જ રિસર્ચ યુરોપમાં પણ થઈ રહ્યુ છે. વધુ એક ઈન્ટરનેશનલ ટીમ 30 માઈક્રોગ્રામ સેમ્પલ લઈને તેની સ્ટડી કરી રહી છે. જેથી માટીમાં હાજર સોલ્વેન્ટ્સ અને ઓર્ગેનિક મેટરની તપાસ કરી શકે.
રીયૂગૂની માટીમાં કાર્બન, હાઈડ્રોજન, નાઈટ્રોજન, ઓક્સિજન, સલ્ફર અને 15 અમીનો એસિડ મળ્યા. આ સિવાય નાઈટ્રોજનયુક્ત એમીન્સ અને કાર્બોજિલિક એસિડ પણ મળ્યા છે. જે કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણથી બને છે પરંતુ સંશોધનકર્તાઓને રીયૂગૂની માટીમાં શુગર કે ન્યૂક્લિયોબેસેસ મળ્યા નથી, જેનાથી ડીએનએ અને આરએનએનું નિર્માણ થાય છે.