Published by : Anu Shukla
- વીઆઈપી નંબરની બીડ રૂ.1,000થી શરૂ થઈ હતી
- ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને કેન્દ્રીય એજન્સીઓએ બોલી જીતનાર વ્યકિતની વિગતો મંગાવી
હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના કોટખાઈ વિસ્તારમાં ટુ-વ્હીલર માટે લગાવવામાં આવેલી બોલીએ પાછલા તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યા છે. અહીં, સ્કુટીના વીઆઈપી નંબર માટે રૂપિયા ૧૦૦૦ થી શરૂ કરવામાં આવેલી બોલી રૂપિયા એક કરોડને પાર કરી ગઈ છે.
હિમાચલ પ્રદેશના વાહન વ્યવહાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, એચપી-૯૯-૯૯૯૯ નંબર માટે લગાવવામાં આવેલી ઓનલાઈન બોલીએ સૌને ચોંકાવી દીધા છે. આ સાથે જ આ બોલીએ ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ અને બીજી એજન્સીઓનું ધ્યાન ખેચ્યું છે. દેશરાજ નામના એક વ્યકિતએ સ્કુટીના વીઆઈપી નંબર માટે રેકોર્ડ રૂ. ૧,૧૨,૧૫,૫૦૦ની બોલી લગાવી છે.
દેશરાજ બાદ સંજય કુમાર નામના વ્યકિતએ રૂ. ૧.૧૧ કરોડની બોલી લગાવી હતી. જ્યારે, ધર્મવીર નામના વ્યકિતએ પોતાના ટુ-વ્હીલર માટે રૂ.૧,૦૦,૦૦,૫૦૦ની બોલી લગાવી હતી. રાજ્ય સરકારે વીઆઈપી નંબર માટે બોલી લગાવનારા વ્યકિતઓની વિગતો મંગાવી છે. હિમાચલના ટ્રાન્સપોર્ટ વિભાગના જણાવ્યા અનુસાર, બોલી લગાવનારે ૩૦ ટકા રકમ જમા કરાવવી પડશે ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના હાલના નિયમો પ્રમાણે કોઈપણ વ્યકિત સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવ્યા વિના બોલી લગાવી શકે છે.