Published By:-Bhavika Sasiya
- સ્ટેચ્યુ ઓફ યુનિટીના ધોરીમાર્ગ પર રાજપારડી ઝઘડિયા વચ્ચે સીમોદરા ગામ નજીક ધોરીમાર્ગ પર પાણી ભરાતા કલાક સુધી વાહન ચાલકો અટવાયા હતા.
હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં પણ તંત્ર દ્વારા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય પગલા લેવા જણાવાયું છે. બપોરના બે વાગ્યા આસપાસના સમય દરમિયાન ઝઘડિયા તાલુકામાં મુશળધાર વરસાદ થતાં તાલુકાના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા. તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા આવા વિસ્તારો બેટમાં ફેરવાયેલા જણાતા હતા. વધુમાં મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ધોરીમાર્ગ પર રાજપારડી ઝઘડિયા વચ્ચે સીમોદરા ગામ નજીક ધોરીમાર્ગ પર પાણી ભરાયું હતું, અને તેને લઇને લગભગ એક કલાક સુધી વાહનચાલકો અટવાયા હતા. જોકે ધોરીમાર્ગ પર ભરાયેલા પાણીમાં થઇને નાછુટકે વાહનો પસાર થતાં દેખાયા હતા. ત્યારબાદ વરસાદ ધીમો પડતા માર્ગ પરથી પાણી વહી જતા વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.