Published by: Rana kajal
- ચિત્રોનું આગામી સમયમાં દેશના અલગ-અલગ સ્થળોએ ભવ્ય પ્રદર્શન પણ યોજાશે
- મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય વર્કશોપ યોજાયો
- સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજન
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે ત્યારે હવે કળાના વિદ્યાર્થીઓ માટે પણ શ્રેષ્ઠતમ સ્થળ બનવા જઈ રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને ગુજરાત લલિતકલા અકાદમીના ઉપક્રમે MSU ના ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના અભ્યાસિક પ્રવૃત્તિના લાભાર્થે SOU ખાતે ચિત્રકળાનો ત્રિદિવસીય વર્કશોપ યોજાયો હતો.
વર્કશોપનો પ્રારંભ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવ ટી.આર.દેસાઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર શિવમ બારીયાએ કરાવ્યો હતો.
સત્તામંડળના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં આ સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો હતો.
વર્કશોપ અંતર્ગત પહેલા તબક્કે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ પેઇન્ટિંગના 30 વિદ્યાર્થીઓએ અભ્યાસના ભાગરૂપે પ્રતિમા અને એકતાનગરની સુંદરતાને ચિત્ર સ્વરૂપે કાગળ પર ઉતારી હતી.