અમદાવાદ
રાજ્યમાં હવે બોગસ બીલિંગથી ખોટી વેરાશાખ કૌભાંડની માત્રામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મૂળ ભાવનગરનો મહોમ્મદ ટાટા 140 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના કેસમાં લાંબા સમયથી ફરાર હતો. આ બોગસ બીલિંગ કૌભાંડના માસ્ટરમાઈન્ડ મોહંમ્મદ ટાટાની અમદાવાદથી જીએસટી વિભાગે ધરપકડ કરી છે. આ આરોપી ગરીબ વર્ગના લોકો પાસેથી ડોક્યુમેન્ટ મેળવીને બોગસ બીલ બનાવતો હતો. મોહંમ્મદ ટાટાએ 739.29 કરોડના બોગસ બીલ બનાવી 134.98 કરોડની વેરાશાખ મેળવી હતી. જીએસટી વિભાગે કુલ 60 કરોડથી વધુની વેરાશાખ રીકવર કરી છે.
મોહંમ્મદ ટાટા માત્ર 10 ધોરણ જ ભણેલો છે પરંતુ 140 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ તેના દ્વારા આચરવામાં આવ્યું છે. જીએસટી વિભાગે આ કેસમાં જ અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. મોહંમ્મદ ટાટા અને તેના મળતિયાઓની કંપનીઓ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા 1639 લોકો સામે તપાસ ચાલુ છે તેમજ જીએસટી વિભાગેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તમામ સુધી પહોંચશે. આરોપીને ઝડપવા માટે 3 ડેપ્યુટી કક્ષાના અધિકારીની ટીમ અને 6 આસિસ્ટન્ટ કક્ષાના અધિકારીની ટીમ કામે લાગી હતી.