Published By : Patel Shital
- બાળકો ભણતરથી થયા વિમુખ…
- દેશની સમસ્યા ભરૂચમાં પણ લાગુ…
- મોબાઈલની બાળકોની ટેવ છોડાવવા મનોચિકિત્સકની સલાહ લેતા વાલી…
દેશમાં બાળકોને સ્માર્ટ ફોનનું વ્યસન લાગુ પડી ગયું છે. તેથી બાળકો ભણતરથી વિમુખ થઈ રહ્યા છે. ભરૂચમાં પણ વાલીઓ બાળકોને લાગેલ મોબાઈલનું વ્યસન છોડાવવા મનોચિકિત્સકની સલાહ લઈ રહ્યા છે. બાળકો પર સ્માર્ટફોનની અસર સતત વધી રહી છે. દર 5 માંથી એક બાળક સૂતા પહેલા પથારીમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતા એક તૃતીયાંશથી વધુ બાળકોની એકાગ્રતા સ્માર્ટફોનને કારણે પ્રભાવિત થઈ છે અને તેમની એકાગ્રતામાં ઘટાડો થયો છે. IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં એક લેખિત જવાબમાં એક રિસર્ચ સાથે સંબંધિત ડેટા વિશે માહિતી આપી છે.

લોકસભામાં મંત્રીએ સ્પષ્ટ કર્યું કે બાળકોમાં ઈન્ટરનેટના વ્યસન અંગે મંત્રાલય પાસે કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ સાથે સંબંધિત ડેટા છે, જે મોબાઈલ ફોનના ઉપયોગ સાથે સંબંધિત છે.
IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગૃહમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લગભગ 23.8 % બાળકોએ સૂતા પહેલા સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો હતો અને 37.15 % બાળકોએ સ્માર્ટફોનના ઉપયોગને કારણે એકાગ્રતા ગુમાવી હતી.
મોબાઇલ ફોન અને અન્ય ઉપકરણો શરીર, વર્તન અને મન પર થતી અસર પર અભ્યાસ કરવામાં આવ્યો છે અને આ સંશોધનનો ડેટા ઉપલબ્ધ છે. IT રાજ્ય મંત્રીએ કહ્યું કે અભ્યાસ મુજબ 23.80 % બાળકો સૂતા પહેલા સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે આ આંકડો વધતી ઉંમર સાથે વધે છે અને 37.15 % બાળકોમાં સ્માર્ટ ફોનના ઉપયોગને કારણે હંમેશા અથવા ઘણીવાર એકાગ્રતા સ્તરનો અભાવ હોય છે.