Published By:-Bhavika Sasiya
- ઘરનો ઉંબરો ઓળંગી સ્ત્રીઓએ આઝાદીની લડતમાં આંદોલન પણ કર્યાં છે અને એક સમયે જે હાથમાં બંગડી પહેરાતી તે હાથ આઝાદીની જંગમાં કારતૂસ કે તલવાર ચલાવતાં પણ ખચકાંતિ નથી….
અંગ્રેજો સામેની લડતમાં રાજવી પરિવારની સ્ત્રીઓની વાત કરીએ તો દક્ષિણ ભારતના કિત્તુરનાં રાણી ચેન્નમા પહેલા ભારતીય વિરાંગના હતાં જેમણે અંગ્રેજો સામે લડાઈનું બ્યૂગલ ફૂંક્યું હતું. ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈને કોઈ પરિચયની જરૂર નથી, પોતાના નાના બાળકને કઠણ કાળજું કરી ખભે બાંધીને જે સ્ત્રી યુદ્ધના મેદાનમાં જઈ શકતી હોય એનાથી વધારે બહાદુરી બીજી શું હોય! લખનઉમાં પણ રાણી હજરત બેગમ પોતાના નાના દીકરાને ગાદી સોંપી તેઓ જંગના મેદાનમાં નીકળી પડ્યાં હતાં. આ નામોની યાદી ઘણી લાંબી છે જેમાં ઈંદૌરના રાણી અહિલ્યા બાઇ, રામગઢનાં રાણી અવંતી બાઈ, અંતિમ મુઘલ બહાદુરશાહ ઝફરનાં બેગમ ઝીનત મહલ, તુલસીપુરનાં રાજેશ્વરી દેવી વગેરે અનેક રાજવી પરિવારની રાણીઓનાં નામ આજે તેમની અંગ્રેજો સામેની લડાઈને કારણે માનપૂર્વક લેવાય છે.
1857ના વિદ્રોહને હવા આપનાર મંગલ પાંડેનું નામ તો આપણને યાદ જ છે, આ જ મંગલ પાંડેને અંગ્રેજોના કારતૂસ વિશે જાણ અંગ્રેજોની જ રસોઈ બનાવતી સામાન્ય સ્ત્રી લજ્જોએ પોતાના જીવના જોખમે કરી હતી, તો આ જ વિદ્રોહમાં ઉદા દેવી નામનાં એક મહિલાએ ઝાડ ઉપર ચડીને એકબે નહીં પણ 32 અંગ્રેજોને કારતૂસ વડે મારી નાખ્યા હતા.
આ લડાઈમાં ગણિકાઓએ પણ પોતાનો સક્રિય ફાળો આપ્યો છે. આ એ જ ગણિકાઓ હતી જેને એક સમયે ખરાબ નજરે જોવાતી તેમ છતાં તેમાંથી મસ્તાની બાઈ, અજીજન બાઈ અને હૈદરી બાઈએ આઝાદીની લડતમાં પોતાના જીવના જોખમે આ લડાઈમાં ભાગ લેનાર પુરુષોને ઘણી મદદ કરી હતી. હૈદરી બાઈ અને મસ્તાની બાઈએ ક્રાંતિકારીઓને અંગ્રેજોની ઘણી મહત્ત્વની સૂચનાઓ પહોંચાડી હતી તો અજીજન બાઈએ પોતાની સાથે રહેલી સ્ત્રીઓને પુરુષોનો વેશ ધારણ કરાવીને તાત્યા ટોપે અને નાના સાહેબની મદદ કરી હતી….