- ચેનલ નર્મદા આયોજિત સ્પર્ધામાં રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયના શિક્ષિકાને વિશેષ સન્માન
- શિક્ષક દિને તેઓને રૂ. ૫૧ હજાર રોકડાથી પુરસ્કૃત કરાશે
આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા તેના રજત જયંતી વર્ષની ઉજવણી કરી રહ્યું છે જેના ભાગરૂપે વિવિધ ક્ષેત્રના લોકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ચેનલ નર્મદા દ્વારા નારાયણ વિદ્યા વિહારના આચાર્ય મહેશભાઈ ઠાકરના ધર્મપત્ની સ્વ. દિપીકાબેન ઠાકરની યાદમાં શ્રેષ્ઠ શિક્ષકને સન્માનિત કરવાનું આયોજન કર્યું હતું જેમાં રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયના શિક્ષિકા ઉલ્લાસબહેન મોદી વિજેતા બન્યા છે.

ચેનલ નર્મદા દ્વારા સારસ્વતોનું સન્માન કરવાનું નક્કી કરાયું હતું અને જીલ્લાના એવા શ્રેષ્ઠ શિક્ષક કે જેઓ શિક્ષણ, વિદ્યાર્થી ઘડતર, અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા શાળાને ગૌરવવંત કરવાનું ઉત્તમ કાર્ય કરતા હોય. ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો, કોલેજના પ્રોફેસર તેમજ શાળા સંચાલકો માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧૪ જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. નિર્ણાયકોની પેનલ દ્વારા વિવિધ મુદ્દાઓની ચકાસણી કરી અને તેઓને જે ફોર્મ આપવામાં આવ્યું હતું તેમાં ભરેલ વિગતોના આધારે શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષિકા ઉલ્લાસબહેન મોદીએ આ સ્પર્ધા જીતી હતી. ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિને તેઓને રૂ. ૫૧ હજાર રોકડ આપી પુરસ્કૃત કરવામાં આવશે.