અમદાવાદ
આવનાર તા 14 ડિસેમ્બરથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવ માટે અમદાવાદના ઓગણજ ખાતે 600 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર આકાર લઇ રહ્યું છે. આ નગર ઊભુ કરવા માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં મોટી સંખ્યામાં રોજ હરિભક્તો સેવા કરવા આવે છે. હવે દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે મહંત સ્વામી મહારાજે દિવાળી અને નવું વર્ષ તો નગરમાં જ કરવા માટે આજ્ઞા કરી છે. આજ્ઞાના પગલે સંખ્યાબદ્ધ હરિભક્તો નગરમાં યોજાનારા સેવાયજ્ઞમાં હાજરી આપશે અને દિવાળી તેમજ નવા વર્ષની નગરમાં જ ઉજવણી કરશે. તેમજ 15 ડિસેમ્બરના બદલે હવે એક દિવસ અગાઉ એટલે કે 14 ડિસેમ્બરે શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. આ શતાબ્દી મહોત્સવને લઈ મહંત સ્વામીએ હરિભક્તોને દિવાળી અને નવું વર્ષ નગરમાં જ કરવા આજ્ઞા કરી છે. જોકે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ડિસેમ્બર-2021માં જ કરવાની હતી. પરંતુ કોરોનાના કારણે તારીખ લંબાવીને હવે તા 14 ડિસેમ્બર-2022થી 15 જાન્યુઆરી-2023 સુધી ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવ ભલે 14 ડિસેમ્બર-2022થી જાન્યુઆરી-2023 સુધી યોજાવાનો હોય, પણ તેની તૈયારીઓ છેલ્લા બે વર્ષથી એટલે કે 2020થી ચાલી રહી છે. મહોત્સવ યોજવા માટે જમીન આપવા માટે ખેડૂતો, વેપારીઓએ 2020માં જ કમિટમેન્ટ આપી દીધા હતા. આ જમીન અંગેના ડ્રાફ્ટ આજથી થોડા સમય પહેલાં જ થયા છે. તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જતા જ 2022થી આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આવનાર તા 15 નવેમ્બર સુધીમાં મોટાભાગનું કાર્ય પૂર્ણ થશે હવે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની તારીખ 15મી ડિસેમ્બર નજીક આવી રહી છે. તેમ તેમ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટે BAPS સંસ્થા સહિત હરિભક્તોએ 600 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર ઉભુ કરવાની કામગીરી પુરજોશમાં શરુ કરી છે. હાલ દરરોજ સંખ્યાબદ્ધ મહિલાઓ સહિતના હરિભક્તો સેવાયજ્ઞમાં જોડાઈ રહ્યાં છે. તેમજ સમય પહેલાં સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરી દેવા માટે સૌ કોઈ પોતાની યથાશક્તિ સેવા આપી રહ્યા છે. તેના ફળ સ્વરૂપે જ 50 ટકાથી વધુ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ઓક્ટોબરના અંત સુધીમાં અથવા તો 15મી નવેમ્બર સુધીમાં મોટાભાગનું કાર્ય પૂર્ણ થઇ જશે. એમ જણાઈ રહ્યું છે.
પ પુ મહંત સ્વામીએ આણંદથી તા 9-9-2022ને શુક્રવારના રોજ હરિભક્તોને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં હરિભક્તોને આજ્ઞા કરી છે. આ આજ્ઞા તેમનાજ શબ્દોમાં જોતાં ..
સ્વામી બાપાના લાડીલા યુવકો તથા હરિભક્તો દિવાળી-નવું વર્ષ તો નગરમાં જ…
નગરની પૂર્વ તૈયારીની સેવા એ ટાણાંની સેવા છે. માટે આ સેવામાં બધાએ અવશ્ય જોડાવુ. આ સેવાથી અંતરમાં પ્રકાશ થશે. શતાબ્દી મહોત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી આપના ધંધા-નોકરીમાં આવતી તમામ અઠવાડિક રજાઓ, તેમજ દિવાળી અને નૂતન વર્ષમાં આવતી તમામ રજાઓનો ઉપયોગ યાત્રા પ્રવાસ કે અન્ય વ્યવહારિક કાર્યમાં ન કરતા.
શતાબ્દી ગ્રાઉન્ડ પર સેવામાં કરીએ…. સ્વામી બાપાનો અને અમારો ખૂબ રાજીપો છે. ચાલો મંડી પડીયે….
સાધુ કેશવજીવનદાસના ઘણાં જ હેતપૂર્વક જયશ્રી સ્વામિનારાયણ……