Published By : Disha PJB
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજરોજ આપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની અટકાયત કરવામાં આવી હતી કારણકે, તેમણે વિધાનસભાની ચૂંટણી પહેલા હર્ષ સંઘવીને લઈને વિવાદિત નિવેદનો કર્યા હતા. ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા મામલે ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા.
જેને લઈને ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ 2 સપ્ટેમ્બર 2022ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.એ મામલે આજરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની અટકાયત કરવામાં આવી હતી પરંતુ પૂછપરછ કર્યા બાદ તેમને જામીન મુકત કર્યા હતા.
આ બાબતે આપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, આજરોજ મને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક જૂની એફઆઈઆર મામલે બોલવામાં આવ્યો હતો. અને અહીં મારી પોલીસે પૂછપરછ કરી હતી.
પોલીસનું એમ કહેવું છે કે, ભાજપના એક કાર્યકર્તા દ્વારા થોડા સમય પહેલા મારા વિરુદ્ધમાં એક ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં ભાજપના કાર્યકર્તાની લાગણી દુભાઈ છે. એમનું કેહવું હતું કે, મેં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે કેટલાક શબ્દો વાપર્યા છે. જેને લઈને તેમને પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ અરજી કરી હતી. અને આ કેસમાં જામીનપાત્ર ગુનો છે. જેથી મને જામીન પણ આપી દેવામાં આવ્યા છે.
વધુમાં જણાવ્યું કે, એમ જોવા જઈએ તો આ કેસમાં કશું જ નથી. પરંતુ ખોટી રીતે માનસિક ત્રાસ આપવા માટે, મનોબળ તોડી પાડવા માટે, ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી ખતમ થઇ જાય એવા ઈરાદાઓથી આ બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે , સુરત.