- સુરતના બે યુવાને શિક્ષકની નોકરી છોડી હાઇબ્રિડ કિટ બનાવી…
- માત્ર રૂ. 18 હજારની કિંમતની કિટ તૈયાર કરવામાં આવી
સુરતના બે યુવાનો નિર્ભય ખોખર અને પ્રતીક દુધાતે એમએસસી ફિઝિક્સનો અભ્યાસ કર્યો છે.તેઓ બંને એક જ સ્કૂલમાં શિક્ષક હતા અને ત્યાંથી નોકરી છોડી હાઇબ્રિડ કિટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. તેઓ અગાઉ ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈકના પણ 2 મોડલ તૈયાર કરી ચુક્યા છે. જેને આઈસીએટી હરિયાણા ખાતે પરમિશન માટે મોકલવામા આવ્યા છે. ત્રણ વર્ષ પહેલા જ તેઓએ પોતાનો બેટરીનો ધંધો શરૂ કર્યો હતો. ત્યાર બાદ બંનેએ મળીને હાઇબ્રિડ કિટ તૈયાર કરી હતી. આ હાઇબ્રિડ કિટમાં એક મોટર, એક બેટરી અને એક કંટ્રોલરનો ઉપયોગ કરાય છે. હાઈબ્રિડની કિંમત બેટરીની ક્ષમતા પ્રમાણે વધી ઘટી શકે છે. જે સ્કૂટરમાં ફિટ કરી દેતા એ ઇલેક્ટ્રીક અને પેટ્રોલ બંને મોડમાં ચાલે છે. જેની કિંમત 18 હજાર છે.
હાઇબ્રિડ કિટમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ કંટ્રોલર, બેટરી અને મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેટ્રોલ મોડમાં જે રીતે સ્કૂટર ચાલે છે તે એવી જ રીતે ચાલશે. એની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરાશે નહીં. સ્કૂટરમાં બે ચાવીથી ચલાવી શકાશે. એક પેટ્રોલ મોડમાં ચલાવવા માટે અને બીજી ચાવી બેટરીથી સ્કૂટરને ચલાવવા માટે ઓપરેટ કરી શકાય છે. સ્કૂટર પેટ્રોલ મોડ પર હોય ત્યારે ઇલેક્ટ્રિક મોડ સુસુપ્ત અવસ્થામાં હોય છે અને જ્યારે ઇલેક્ટ્રિક મોડ પર હોય ત્યારે પેટ્રોલ મોડ સુસુપ્ત અવસ્થામાં હોય છે.
સ્કૂટરની ડિક્કીમાં સમાઈ જાય એટલી નાની સાઇઝની બેટરી બનાવવામાં આવી છે. પેટ્રોલ અને ઇલેક્ટ્રિકથી ચાલે તે માટે જનરલ લીવર આપવામાં આવ્યું છે. બેટરીને ત્રણથી ચાર ક્લાક ચાર્જમાં મૂકવી પડે છે.