- ગુપ્તભાગમાં એર કમ્પ્રેસરની નળી ભરાવી દેવાતાં યુવક ની સ્થિતિ ગંભીર બની
મોરબીની સિરામિક ફેક્ટરીમાં બે શ્રમિકનું નિમ્ન કક્ષાનું કૃત્ય સામે આવ્યું હતું. જે અંગેની વિગત જોતાં મોરબી તાલુકાના ઘુંટુ ગામની સિરામિક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક યુવાનના ગુપ્ત ભાગે બે સાથી કર્મચારીઓએ એરકમ્પ્રેશરની નળી ઘુસાડી દેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને તાબડતોબ સારવાર માટે લઇ જવો પડ્યો હતો.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં યુવકના ભાઇએ ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે . બીજી તરફ આ બનાવ પાછળ શ્રમિકોની હસી મજાક કારણભૂત હતી કે વેરઝેરના લીધે આ બનાવ બન્યો એ સહિતની વિગતો મેળવવા તજવીજ શરૂ કરાઇ છે.
મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ નજીક આવેલા એન્ટિક વિટ્રીફાઇડ નામના સિરામિક કારખાનામાં કામ કરતા એક શ્રમિક યુવાનના ગુપ્તભાગે તેમની સાથે જ કામ કરતા શ્રમિકો મનોજ અને મેહુલ રબારીએ એરકમ્પ્રેશરની નળી ઘુસાડી દેતા પેટના ભાગમાં હવા ભરાઈ જતા આંતરડામાં ઇજાઓ પહોંચી હતી અને યુવકની હાલત ગંભીર બની જવા પામી હતી. તેથી યુવકને તાબડતોબ સારવાર માટે લઇ જવો પડ્યો હતો અને ભોગ બનનારના મોટાભાઈ અજયએ બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.