Published By : Parul Patel
આજકાલ લિવ ઈન રિલેશનમાં રહેવાની ફેશન ચાલી રહી છે. જેના કરૂણ પરિણામો આવી રહ્યાં છે. તે જોતા હાઇકોર્ટે લિવ ઈન રિલેશન પ્રથા અંગે સમાજને ચેતવણી આપી છે…
લિવ ઇન રિલેશન અંગે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશમાં યુવક-યુવતીઓ વચ્ચે લિવ-ઈન રિલેશનશિપના વધતા જતા કિસ્સાઓ પર ગંભીર ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, દેશના યુવાનો લિવ-ઈન રિલેશનશિપમાં મુક્ત સંબંધોની લાલચમા પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાથી સમાજમાં રિયલ લાઈફ પાર્ટનર મળી રહ્યા નથી. કોર્ટે પશ્ચિમી સભ્યતાના આંધળા અનુકરણ અને સંચાર માધ્યમોથી થઈ રહેલા સામાજિક ફેરફારો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
એટલુજ નહી કોર્ટે એમ પણ કહ્યું હતું કે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને દેશનો યુવા વર્ગ વિજાતીય સાથે મુક્ત સંબંધોને પ્રાધાન્ય આપી રહ્યો છે, અને આ લોભમાં યુવાઓ પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. કોર્ટે જણાવ્યુ કે આ કારણે તેઓ યોગ્ય જીવનસાથી શોધી શકતા નથી. આ દેશના યુવાનો સોશિયલ મીડિયા, ફિલ્મો, ટીવી સિરિયલો અને વેબ સિરીઝના પ્રભાવ હેઠળ તેમના જીવનનો સાચો માર્ગ નક્કી કરી શકતા નથી. યોગ્ય જીવનસાથીની શોધમાં તેઓ ઘણીવાર ખોટા જીવનસાથીની સંગતમાં પહોંચી જાય છે. સોશિયલ મીડિયા, ફિલ્મો વગેરે દર્શાવે છે કે જીવન સાથી સાથે બેવફાઈ સામાન્ય છે. આ કલ્પનાને વેગ આપે છે અને તેઓ તે જ પ્રયોગ કરવાનું શરૂ કરે છે, પરંતુ તે પ્રવર્તમાન ધોરણોને અનુરૂપ નથી. જસ્ટિસ સિદ્ધાર્થની સિંગલ બેન્ચે એક કેસમાં આ ટિપ્પણી કરી હતી. એક યુવતીને આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના આરોપમાં જય ગોવિંદ ઉર્ફે રામજી યાદવની જામીન અરજી મંજૂર કરતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે આવા યુવકો ક્યારેક સમાજ, તેમના માતા-પિતા અને ક્યારેક તેમની પસંદગીના જીવનસાથી વિરુદ્ધ પણ ગેરવર્તન કરે છે. તેમને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળતો, જેના કારણે તેઓ આ પ્રકારના સંબંધોમાં ફસાઈ જાય છે. ભારતીય પરંપરાઓમાં આવા સંબંધો સ્વીકારવામાં આવતા નથી. ભારતીય સમાજ મૂંઝવણમાં છે કે શું તેના નાના બાળકોને પશ્ચિમી ધોરણો અપનાવવા દેવા જોઈએ કે પછી તેમને ભારતીય સંસ્કૃતિની મર્યાદામાં રાખવા જોઈએ. એમ પણ અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યુ હતુ.