ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે જેના પગલે બીસીસીઆઈ પંડ્યાને પ્રમોટ કર્યો છે. ગુજરાતના ખેલાડી હાર્દિક પંડ્યાને સી ગ્રેડથી સીધો એ ગ્રેડમાં શામિલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પંડ્યાને ચાલુ વર્ષમાં ડીમોટ કરવામાં આવ્યો હતો જોકે, હવે 2023માં પ્રમોશન આપવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના ગ્રેડમાં વધારો કર્યો છે. બીસીસીઆઈએ હાર્દિકને સી ગ્રેડથી સીધો એ ગ્રેડમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કર્યો છે. પંડ્યાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2022માં ડિમોટ કરતા સી ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ 2023ના કોન્ટ્રાક્ટમાં ફરીથી A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યો છે. હાર્દિકને માત્ર એક વર્ષમાં ડિમોટથી પ્રમોશન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિકને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની આ શ્રેણી 1-0થી જીતી લીધી છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી ભારતે બીજી મેચ 65 રને જીતી હતી અને ત્રીજી મેચ ટાઈ થઈ હતી. નેપિયરમાં રમાયેલી મેચમાં હાર્દિકે અણનમ 30 રન બનાવ્યા હતા. આ પહેલા ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે 33 બોલમાં 63 રન બનાવ્યા હતા.