Published by : Rana Kajal
ગોધરા
પંચમહાલ જિલ્લાના હાલોલ પ્રાંત અધિકારીએ પર્યાવરણની ચિંતા કરવા સાથે જ વેસ્ટમાંથી બેસ્ટ ઉક્તિને યથાર્થ સાબિત કરતી કામગીરી હાથ ધરી છે. જેનાથી ટૂંક સમયમાં હાલોલ તાલુકા સેવાસદનની દિવાલ આબોહવા પરિવર્તન સામેની લડતનું સ્મારક સમુ બની રહેશે. અહીં અંદાજિત 36 મીટરની કમ્પાઉન્ડ વોલને પ્લાસ્ટિકની વેસ્ટ બોટલોમાંથી બનાવવામાં આવી છે અને આ ભગીરથ કાર્યમાં શાળાના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા છે. આ દિવાલનું નામ પણ ખૂબ જ સુંદર આપવામાં આવ્યું છે ‘વોલ અગેઇન્સ્ટ કલાઇમેટ ચેન્જ’. હાલ એકત્રિત થયેલી પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ ભર્યા પછી જે જગ્યા રહી હતી તે બોટલોને મજબૂતી આપવા માટે રેતી ભર્યા બાદ દિવાલ બનાવવામાં ઉપયોગ લેવામાં આવી રહી છે.
હાલમાં દિન પ્રતિદિન વાતાવરણમાં આવી રહેલો બદલાવ ખૂબ જ ચિંતાજનક બાબત બની રહી છે. પરંતુ વાતાવરણ બદલાવમાં કેટલાક મહત્વના પાસા જવાબદાર છે જેનું ઉદ્દભવ સ્થાન પણ આપણા સમાજના નાગરિકો જ કહી શકાય. હાલ પ્લાસ્ટિકના થઇ રહેલા ઉપયોગ અને જેના બાદ યોગ્ય નિકાલ કરવાનું બાજુમાં મૂકી આડેધડ ફેંકવામાં આવતું પ્લાસ્ટિક ખૂબ જ આડ અસર કરી રહ્યું છે. ત્યારે ઉપયોગ બાદ જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતાં પ્લાસ્ટિકની બોટલો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના સદ્ઉપયોગ સાથે વાતાવરણને થતી આડ અસર પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાલોલ પ્રાંત અધિકારી ડો.મયુર પરમારે કર્યો છે. જેમાં પણ તેઓએ બાળ માનસના માધ્યમનો ઉપયોગ કર્યો છે.હાલ વિદ્યાર્થીઓ પાસેથી એકત્રિત કરાયેલી અને ભંગારવાળા પાસેથી ખરીદ કરાયેલી પ્લાસ્ટિક બોટલો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના માધ્યમથી એક કમ્પાઉન્ડ વોલ આકાર લઇ રહી છે.