- RSSના સ્વયં સેવકને SUV કારે કચડ્યા હતા અને કાર માલિકે અકસ્માત પહેલા કરી હતી દારૂની પાર્ટી…..
અમદાવાદના ઘુમા વિસ્તારમાં વહેલી સવારે લાલગેબી આશ્રમ પાસેના રોડ પર એક કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. જે દરમિયાન આ કાર પાસે આવેલા ગ્રાઉન્ડમાં ઘૂસી ગઈ હતી, જ્યાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના સ્વયં સેવકો કસરત કરી રહ્યા હતા. ત્યારે પુર ઝડપે આવેલ કારે તેમને ઉડાડયા હતા. જ્યાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. હિટ એન્ડ રન કેસમાં બોપલ પોલીસે મયુર પટેલની શોધખોળ શરૂ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કાર માલિક મયુર પટેલે અકસ્માત પહેલાં દારૂની પાર્ટી કરી હતી. મયુર પટેલની દારૂ પાર્ટીના ફોટા પણ મળી આવ્યા છે. જેમાં મયુર પટેલ મિત્રો સાથે દારૂની પાર્ટી માણતો જણાઈ રહયો છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન કાળુભાઈ રાખોલિયા પોતે રોજ સવારની જેમ વહેલી સવારે આરએસએસની શાખામાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા. સવારે ચાલતાં ચાલતાં ઘરેથી નીકળ્યા ત્યારે તેઓ ઘુમા પાસેના લાલ ગેબી આશ્રમ પાસેના ગ્રાઉન્ડમાં પહોંચ્યા ત્યારે રોડ પરથી ઘૂસેલી એન્ડેચર કારે તેમને અડફેટે લીધા હતા. સૂત્રો મુજબ આ કાર એટલી ઝડપે હતી કે કાળુભાઇ ફંગોળીને નીચે પટકાયા બાદ તેમના પર ટાયર પણ ફરી ગયુ હતુ અને કાર નજીકમાં આવેલા મેદાનમાં પહોંચીને ઝાડી-ઝાંખરામાં ઘૂસી ગઈ હતી.
વહેલી સવારે અહીંથી પસાર થતા લોકોએ અકસ્માત થયો હોવાની જાણ થતા પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યારે કાળુભાઈનું મૃત્યુ થયુ હતુ. તેમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ચકાસણી માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં તેમનુ મોત થયું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતુ. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો પસાર થતાં લોકોના જણાવ્યા પ્રમાણે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ કારની અંદર દારૂની બોટલ પણ મળી આવી છે. તેમજ પત્તાની કેટ પણ મળી હતી. જ્યારે આરોપી અકસ્માત કર્યા બાદ કોઈને ખબર ન પડે તે માટે કાર પણ સંતાડવા માટે ત્યાં પહોંચ્યો હતો. એટલે તેને ખબર હતી કે કાળુભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયુ છે. હાલ આ સમગ્ર બનાવ અંગે બોપલ પોલીસે અકસ્માતે મોત નોંધીને કારના ચાલકને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદ જિલ્લાના ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, અમને કારના નંબરના આધારે એના માલિકનું એડ્રેસ મળ્યું છે. અમારી પોલીસ ત્યાં પહોંચી ત્યારે ઘર પર તાળુ હતુ અને તેનુ આખું પરિવાર ગાયબ છે. જ્યારે તેનો જે મોબાઈલ નંબર છે તે પણ બંધ છે એટલે અમે તેને શોધી રહ્યા છીએ.