Published By : Parul Patel
હીરાની ચમકથી ચમકતી હિરા નગરીને હાલ મંદીનું ગ્રહણ લાગ્યું છે…
સુરતના ડાયમન્ડ બજારને મંદીનુ ગ્રહણ લાગ્યું. આમ તો છેલ્લા છ એક મહિનાથી સુરતના ડાયમન્ડ બજારમાં મંદીનો પવન ફૂંકાવાનું ચાલુ થયું છે, પરંતુ એની વધુ અસર હવે વર્તાઈ રહી છે. એને કારણે સુરતમાં ડાયમન્ડના ઘણા બધા કારખાનાવાળાઓ શનિ-રવિવારે રજા રાખતા થઈ ગયા છે. અથવા તો કામના કલાકોમાં ઘટાડો કરીને રત્નકલાકારોને કામ આપવામાં ઍડ્જસ્ટમેન્ટ કરી રહ્યા છે.
વધુ વિગતે જોતા નાના કારખાનેદારોને મંદીની વધુ અસર વર્તાઈ રહી છે. અમેરિકા સહિતના દેશોમાં મંદીનો માહોલ, મની ક્રાઇસિસ તેમ જ યુક્રેન-રશિયા યુદ્ધની અસર પણ ડાયમન્ડ બજાર પર પડી હોવાનો મત સુરત ડાયમન્ડ બજારના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. સુરત ડાયમન્ડ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ઇન્ડિયન ડાયમન્ડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યુ હતું કે ‘સુરતના ડાયમન્ડ બજાર પર મંદીની અસર થઈ છે. સુરત ડાયમન્ડ બજારનું મુખ્ય કન્ઝમ્પ્શન માર્કેટ અમેરિકા છે. ડાયરેક્ટ આપણું 35% જેટલું એકસપોર્ટ અમેરિકા થાય છે. હવે અમેરિકામાં મંદીનો માહોલ છે. ખરીદી ઓછી છે એની નેગેટિવ ઇફેક્ટ અહીં પડી છે. બીજી બાજુ અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધ મૂક્યા છે, એને કારણે મોટા ભાગની પતલી રફ અલરોઝા કંપની સેલ કરતી એ આપણા 50%થી વધારે કારખાનાંઓમાં આવતી એમાં શૉર્ટ સપ્લાય છે. રૉ મટીરિયલ ન હોય એટલે કારખાનાં ચલાવવામાં મુશ્કેલી થાય એને કારણે આ મુસીબત આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી આવું ચાલી રહ્યું છે. અત્યાર સુધી કારખાનાવાળા સસ્ટેન કરતા હતા, પરંતુ હવે મંદીની ઇફેક્ટ વર્તાઈ રહી છે. રૉ મટીરિયલ ન હોય તો કારખાનામાં કારીગરોને કેવી રીતે સાચવવા એટલે ઘણાં બધાં કારખાનાંઓમાં શનિવાર-રવિવાર એમ બે રજા અપાઈ રહી છે. કારીગરોને પાંચ દિવસ કામ આપી શકાય. કારખાનાવાળા આ સ્વૈચ્છિક રીતે તેમની ક્ષમતા પ્રમાણે ઍડ્જસ્ટમેન્ટ કરીને કામ કરી રહી છે.