Published by : Rana Kajal
હીરા ઘસી જીવન ગુજારનાર યુવાન અન્ય બાળકોને ભણવા માટે સગવડ કરી આપે છે. એક યુવાન પોતે ભણી ન શકતા અન્ય બાળકોને ભણાવવાનો નિર્ણય કર્યો. આમ ઍક હિરઘસુ યુવાન બાળકોને ભણાવીને બાળકોનું જીવન પણ હીરાની જેમજ ઘડી રહયો છે.

ગુજરાતના આદીવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાના વાંટડા ગામનો ઍક આદિવાસી યુવાન વાલસિંગ રાઠવા પોતે આર્થિક મજબૂરીના કારણે પૂરું શિક્ષણ ન લઈ શક્યો હતો. પરંતુ આ યુવાને ગામના 35 થી 40 બાળકોનું શિક્ષણ અધૂરું અને કાચું ન રહે તે માટે ગામના જ એક ઘરમાં મફત શિક્ષણ આપવાનું ભગીરથ કામ શરૂ કર્યું છે વાલસીંગ રાઠવાના પરિવારમાં હાલ માતા, નાનો ભાઈ અને નાની બહેન છે.પોતે પહેલા ધોરણમાં હતો ત્યારે જ તેના પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. તેવામાં પોતે અસંખ્ય તકલીફોનો સામનો કરીને ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો.

હાલ પરિવારની સંપૂર્ણ જવાબદારી તેના માથે છે. એક બાજુ ગરીબી અને બીજી બાજુ પેટનો ખાડો પૂરવા માટેની મથામણ. આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી ઉચ્ચ અભ્યાસ કરી શક્યો નહીં. જેનો વસવસો હજુ પણ મનમાં છે. હાલ વાલસીંગ રાઠવા જીવન નિર્વાહ કરવા માટે પાનવડ ખાતેની એક હીરા ઘસવાના કારખાનામાં કામ કરે છે અને સાથે સાથે ગામના બાળકો નુ ભણતર આર્થિક કારણોસર અટકી ન પડે તે માટે ખાસ પ્રયાસ કરે છે. આ યુવાનના કાર્યો જોઈ ગામના અને સમાજનાં લોકો પણ હવે આ સેવાના કામમા મદદ કરવા આગળ આવી રહ્યા છે.
