- છોટુ વસાવા અમારા મસીહા, ગરીબોના આઇકોન, ભાજપ-કોંગ્રેસને એમ કઈ ફાવટ ન આપ્યે : મહેશ વસાવા
- છેલ્લા 17 દિવસથી ઝઘડિયા બેઠક ઉપર ચાલતા પરિવાર વાદનો અંત, બન્ને પુત્રો પિતા સાથે
- ઝઘડિયા બેઠક હવે જીતવી ભાજપ માટે દિલ્હી દૂર સમાન
ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક ઉપર છેલ્લા 17 દિવસથી ચાલતા પારિવારિક વિખવાદનો આજે ગુરૂવારે અંત આવ્યો છે. પિતા છોટુભાઈ વસાવા માટે પુત્ર મહેશ વસાવાએ BTP માંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે.
આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર 35 વર્ષથી અજય અને એક હથ્થું શાસન કરતા છોટુ વસાવા ફરી સુપ્રીમો સાબિત થયા છે. તેમણે 6 નવેમ્બર અને 11 નવેમ્બરે કહેલું કથન સાચું ઠર્યું છે. તેઓએ અગાઉ કહ્યું હતું કે, જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ. જે બાદ પુત્ર મહેશ વસાવા એ તેમની ઝઘડિયા બેઠક પરથી BTP માંથી ઉમેદવારી કરતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અને અને કહ્યું હતું કે, હું જ્યાં ઉભો રહું છું ત્યાં પક્ષ -પાર્ટી બની જાય છે.
ઝઘડિયા બેઠક ઉપર પિતા છોટુ વસાવા સામે મોટા પુત્ર મહેશ વસાવા એ BTP અને નાના પુત્ર દિલીપ વસાવા એ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બુધવારે દિલીપ વસાવા એ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. આજે ગુરુવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મોટા પુત્ર મહેશ વસાવા પણ પિતા માટે ખસી જતા હવે ઝઘડિયા બેઠક ઉપર માત્ર છોટુ વસાવા જ ચૂંટણી જંગમાં રહ્યા છે અને પરિવાર વાદના ચાલતા વિવાદનો અંત આવ્યો છે.
ઝઘડિયા બેઠક ઉપર સમગ્ર ગુજરાત સાથે કેન્દ્રની નજર પણ કેન્દ્રિત થઈ હતી. ભાજપ ને એવું હતું કે , ઇતિહાસમાં પેહલી વખત આ વખતે છોટુ વસાવાના પરિવારમાં વિખવાદને લઈ તેઓ બેઠક જીતી જશે. બીજી તરફ કોંગ્રેસ ના મનમાં પણ આ બેઠક જીતવાના અંદરો અંદર લડડું ફૂટી રહ્યા હતા. જોકે હવે માત્ર છોટુ વસાવા જ ઝઘફિયા બેઠક ઉપર અપક્ષ અને એકમાત્ર ઉમેદવાર રહેતા અન્ય પક્ષો માટે ચૂંટણી જીતવી કઠિન બની ગઈ છે.
આજે ફોર્મ પરત ખેંચનાર BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા એ “CHANNEL NARMADA” સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે, હા મેં મારી ઉમેદવારી અમારા મસીહા છોટુભાઈ વસાવા માટે પરત ખેંચી લીધી છે. તેઓ ગરીબોના આઇકોન છે. અને આદિવાસી સુપ્રીમો સામે ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષનો ઉમેદવાર ટકી ન શકે. તેઓ માટે મેં મારી ઉમેદવારી ચૂંટણી જંગમાંથી પરત ખેંચી છે અને તેમના માટે હવે અમે પ્રચાર-પ્રસારમાં જોડાઇ ગયા છીએ.