Published By : Aarti Machhi
હેટ સ્પીચ અંગે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવતા જણાવ્યુ હતુ કે ‘આ 21મી સદી છે? ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયા છીએ’હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યુ કે આ કોર્ટની જવાબદારી છે કે તે આવી બાબતોમાં હસ્તક્ષેપ કરે. હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારોને કહ્યુ કે આ મામલે નક્કર પગલાં લો, નહીં તો તિરસ્કાર માટે તૈયાર રહો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની પોલીસને નોટિસો ફટકારી છે. કોર્ટે પૂછ્યુ કે હેટ સ્પીચમાં સામેલ લોકો સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના આદેશમાં કહ્યુ છે કે હેટ સ્પીચ સંબંધિત આરોપો ખૂબ જ ગંભીર છે. ભારતનું બંધારણ આપણને એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે પરિકલ્પના કરે છે. દેશમાં નફરત ફેલાવનારા ભાષણો અંગે IPCમાં યોગ્ય જોગવાઈઓ હોવા છતાં નિષ્ક્રિયતા જણાઈ રહી છે. આપણે માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. જો કોઈ ફરિયાદ ન હોય તો પણ પોલીસે જાતે જ હસ્તક્ષેપ કરીને કાર્યવાહી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે જો બેદરકારી હશે તો અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે. હેટ સ્પીચ અંગે સુપ્રીમ કોર્ટ જણાવ્યુ કે હેટ સ્પીચ આપનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ધર્મને ધ્યાનમાં લીધા વગર કાર્યવાહી થવી જોઈએ. દેશમાં નફરતનું વાતાવરણ છવાઈ ગયું છે. જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે ચિંતાજનક છે. આવા નિવેદનો સહન કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેએમ જોસેફની બેંચે કહ્યું કે 21મી સદીમાં આ શું થઈ રહ્યું છે? ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયાં છીએ? સુનાવણી દરમિયાન અરજદાર તરફથી કપિલ સિબ્બલે કહ્યું કે અમારે આ કોર્ટમાં ન આવવું જોઈએ, પરંતુ અમે ઘણી ફરિયાદો નોંધાવી છે. કોર્ટ કે વહીવટીતંત્ર ક્યારેય પગલાં લેતું નથી. દર વખતે સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવે છે. આ લોકો દરરોજ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચે કહ્યું- શું મુસ્લિમો પણ હેટ સ્પીચ કરી રહ્યા છે? સિબ્બલે કહ્યું, ના, જો તેઓ આવું કરે છે, તો તેમણે સમાન રીતે હેટ સ્પીચ ન આપવી જોઈએ. બેન્ચે વધુમાં કહ્યું, આ 21મી સદી છે, ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયા છીએ?