Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeCulturalહેપી બર્થ ડે કાના : ગુરૂવારે જન્માષ્ટમીએ કૃષ્ણ ભગવાનનો 5251 મો જન્મદિવસ...

હેપી બર્થ ડે કાના : ગુરૂવારે જન્માષ્ટમીએ કૃષ્ણ ભગવાનનો 5251 મો જન્મદિવસ…

Published By : Parul Patel

  • ભગવાન શ્રી કૃષ્ણનું પૃથ્વી પર આયુષ્ય 125 વર્ષ, 7 મહિના અને 7 દિવસ
  • સંશોધન અનુસાર કૃષ્ણ પૃથ્વીલોક પરથી વિદાય થયાને 5125 જેટલા વર્ષો થયાં
  • કૃષ્ણના જન્મની કાશી સ્થિત વેદાન્ત પંડિત સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ કોમ્પ્યુટર, પુરાણો, શાસ્ત્રો અને મહાભારતના તલસ્પર્શી અભ્યાસ બાદ કરેલી ગણતરી
  • શ્રી કૃષ્ણની બનાવાયેલી જન્મકુંડળી પ્રમાણે તેમનો જન્મ ઇસ પૂર્વે 20-21 જુલાઈ 3228 ને રવિવાર-સોમવારે રાત્રે 12 વાગ્યે મથુરામાં થયો હતો
  • ઇસ પૂર્વે 3102ની 18મી ફેબ્રુઆરી ને શુક્રવારે 2 કલાક 7 મિનિટ અને 30 સેકન્ડે ભાલકા તીર્થમાં મહાપ્રસ્થાન કર્યું
  • મહાભારતના યુદ્ધ બાદ 35 વર્ષ સુધી પાંડવોએ શાસન કર્યું, કૃષ્ણના મહાપ્રયાન બાદ પાંડવોએ પણ દેહત્યાગ કર્યો
  • ઈસુ પર્વે 3228 અને ઈસુના હાલ 2023 ગણતા કૃષ્ણનો 5251 મો જન્મોત્સવ

વિશ્વ વંદનીય, જગતગુરૂ લોકોના આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ખરેખર કઇ તિથિ અને ઇસુના કેલેન્ડર પ્રમાણે ઇસુના જન્મ પૂર્વે કઇ તારીખે થયો હતો, તેની ગણતરી પહેલીવાર કાશી સ્થિત વેદાન્ત પંડિત સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ કોમ્પ્યુટર, પુરાણો, શાસ્ત્રો અને મહાભારતના તલસ્પર્શી અભ્યાસ બાદ નક્કી કરી હતી. જે મુજબ ગુરૂવારે જન્માષ્ટમીએ કૃષ્ણનો 5251 મો જન્મોત્સવ આપણે, દેશ અને પુરી દુનિયા ઉજવશે.

સંશોધન અનુસાર કૃષ્ણ પૃથ્વીલોક પરથી વિદાય થયાને 5125 જેટલા વર્ષો થયાં છે. વારાણસીના જ્ઞાનાનંદ સરસ્વતીએ ભગવાન શ્રી કૃષ્ણની જન્મકુંડળી બનાવી છે તે પ્રમાણે કૃષ્ણ જન્મ ઇસ પૂર્વે તા 20-21 જુલાઈ 3228 ને રવિવાર-સોમવારે રાત્રે 12 વાગ્યે મથુરામાં થયો હતો. હિન્દુ પંચાગ પ્રમાણે ચૈત્રાદિ સંવત 3285 તથા શક સંવત 3150 સંવર્તસર ભાદ્રાપદ માસ કૃષ્ણ પક્ષ ઉદિત તિથિ સપ્તમીમાં રોહિણી નક્ષત્રમાં થયો હતો. પુરાણો અને શાસ્ત્રોના અભ્યાસ પછી કરવામાં આવેલી ગણતરી પ્રમાણે કૃષ્ણનો જન્મ સાતમા વૈવસ્વત મનવન્તરની 28મા દ્વાપરયુગના અંતિમ ચરણમાં 863874 વર્ષ ચાર માસ અને 22મા દિવસે શ્રાવણ માસના કૃષ્ણપક્ષની અષ્ટમીના રોજ થયો હતો.

રોહિણી નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો હતો

શ્રીકૃષ્ણના જન્મલગ્ન તથા રાશિ વૃષભ છે. રોહિણી નક્ષત્રમાં જન્મ હોવાથી સત્યમાં માનનારા, નિર્મળ હ્રદયવાળા અને લોકકલ્યાણ કરનારા હોય છે. જન્મલગ્નમાં ચંદ્ર હોવાથી અને લગ્ન પર શનિની દ્રષ્ટિ હોવાથી જાતકનો ચહેરો અત્યંત મોહક અને શ્યામવર્ણો થાય છે. છઠ્ઠાભાવના કારક બુધ પોતાના કારક ભાવથી બારમે રહેવાથી મોસાળનું સુખ પ્રાપ્ત થતું નથી. શ્રીમદ આદ્ય જગતગુરૂ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાનના અધ્યક્ષ સ્વામી જ્ઞાનાનંદ કહે છે કે, ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર 125 વર્ષ 7 મહિના અને 7 દિવસનું આયુષ્ય ભોગવ્યું હતું. તેમણે ઇસ પૂર્વે 3102ની 18મી ફેબ્રુઆરીને શુક્રવારે 2 કલાક 7 મિનિટ અને 30 સેકન્ડે મહાપ્રસ્થાન કર્યું હતું. કૃષ્ણ જન્મની કાલ ગણના માટે જ્ઞાનાનંદે સ્કંદપુરાણના પ્રભાસ પર્વ ઉપરાંત ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ, ભૃગુ સંહિતા અને મહાભારત મૌસલ પર્વનો અભ્યાસ કર્યો હતો.

મહાભારતના યુદ્ધ સમયે ઉંમર 89 વર્ષની હતી…

દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા પુરાણ પ્રસિદ્ધ સોમનાથ જ્યાં બિરાજે છે તેવા પ્રભાસ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. આ ક્ષેત્ર હરિ અને હરનું સંગમસ્થાન છે. ભગવાને પૃથ્વી પર 125 વર્ષ સુધી દિવ્ય લીલા કરી હતી. મહાભારત યુદ્ધના 36 વર્ષ બાદ તેમણે મહાપ્રસ્થાન કર્યું હતું. મહાભારતના યુદ્ધ સમયે કૃષ્ણની ઉંમર 89 વર્ષ 2 માસ અને 7 દિવસની હતી. મહાભારતના યુદ્ધ વખતે જે અપશુકનિયાળ યોગ સર્જાયો હતો તેવો યોગ 36 વર્ષ બાદ ફરીથી સર્જાયો ત્યારે ભગવાને દેહત્યાગ કર્યો હતો. શાસ્ત્રીક ગણનાંકો અને કોમ્પ્યુટર જેવા ઉપકરણોથી પ્રસ્થાપિત થયું છે કે કળિયુગનો પ્રારંભ 18મી ફેબ્રુઆરી 3103થી થયો હતો.

વિષ્ણુ ભગવાનના અવતારો પૈકી કૃષ્ણ અવતાર ખૂબ મહત્વનો

હિન્દુ શાસ્ત્રોના મોટાભાગના ધર્મો અને સંપ્રદાયોમાં કૃષ્ણ ભગવાન તરીકે પૂજાય છે. તેમને જગદગુરૂ પણ કહેવામાં આવે છે. અત્યંત તેજસ્વી રાજા તરીકે તેમની છબી જોવા મળે છે. કૃષ્ણના દિવ્ય અવતાર, તેમના નટખટ બાળપણ અને યુવાવસ્થાની વાતો અનેક ગ્રંથોમાં જોવા મળે છે. દર વર્ષે આવતી જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિન છે. ભગવાન વિષ્ણુએ અત્યાર સુધીમાં 23 અવતાર લીધા છે જેમાં કૃષ્ણ અવતાર ખૂબ મહત્વનો છે. કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેઓ માતા દેવકી અને પિતા વાસુદેવનું આઠમું સંતાન હતા. મામાં કંસ કૃષ્ણને મારી નાંખશે તેવા ડરથી કૃષ્ણને કારાગૃહમાંથી બહાર કાઢી વાસુદેવ તેમના મિત્ર નંદલાલના ઘરે ગોકુળમાં મૂકી આવ્યા હતા. કંસ એ છ બાળકોને મારી નાંખ્યા હતા પરંતુ સાતમું સંતાન દિકરીના રૂપે માતા દુર્ગા હતા. કંસના હાથમાંથી છટકીને તેઓ આકાશમાં પ્રગટ થયા હતા અને કંસને કહ્યું હતું કે તારો કાળ પ્રગટ થઇ ગયો છે. આ દેવી દુર્ગા પુરાણ અનુસાર નંદા તરીકે ઓળખાય છે.

ગાંધારીએ શ્રીકૃષ્ણને આપ્યો હતો શ્રાપ અને યાદવોનો થયો નાશ

મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ 100 પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુ પહેલાંની રાત્રે શ્રી કૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી હતી અને સમજાવ્યા હતા, પરંતુ ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી તેઓએ તથાસ્તુ કહેતાં ગાંધારીના ભાષણનો અંત આવ્યો હતો. શ્રીમદ્ ભાગવતમ્ અનુસાર ઋષિ દુર્વાસા સાથે યાદવ બાળકોએ મજાકમાં નાટક કર્યું હતું તેના પરીણામે તેમણે તમારો સમગ્ર સમુદાય મૃત્યુ પામે એવો શ્રાપ આપ્યો હતો.

કૃષ્ણને બાણ મારનાર શિકારી હતો વાલી

મહાભારતના 36 વર્ષ પછી, કોઈ પણ લડત વગર યાદવોનો નાશ થયો. યાદવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યુ હતું. કૃષ્ણના મોટાભાઇ બલરામે તો યોગની મદદથી પોતાનું શરીર છોડી દીધું હતું. જ્યારે કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે તેમનું મૃત્યુ થયું હતું. આ સ્થળ આજે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે, જે ગુજરાતમાં સોમનાથની નજીક આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર એ શિકારી રામાવતારના સુગ્રીવનો ભાઇ વાલી હતો. શ્રી રામ અવતારમાં કૃષ્ણએ વાલીનો વધ છળથી કર્યો હતો આથી વાલીએ વરદાન માગ્યું હતું કે, દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય. ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ આ પૃથ્વી છોડી તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત અને કળિયુગનો પ્રારંભ થયો હતો. મહાભારત પછી, પાંડવોએ 35 વર્ષ શાસન કર્યુ હતું અને શ્રી કૃષ્ણના મૃત્યુ પછી, તેઓએ પણ તરત જ તેમના શરીરનો ત્યાગ કરી દીધો હતો.

વૈષ્ણવ સંપ્રદાયના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ

હિંદુ ધર્મમાં વૈષ્ણવ માન્યતા ભગવાન કૃષ્ણ વિષે એકેશ્વરવાદ ધરાવે છે, બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. ‘ રૂઢીચુસ્ત ગૌડીય વૈષ્ણવો’ ના મત મુજબ કૃષ્ણનું સ્વરૂપ ત્રણ પ્રકારે વિસ્તાર પામે છે, જેમાં – તેમનું સ્વયં રૂપ અથવાતો દિવ્ય સ્વરૂપ સ્વયં સ્થિત છે એટલે કે અન્યાશ્રિત નથી. તેમનું તદેકાત્મ રૂપ હુબહુ તેમનાં મુળ રૂપ જેવું જ છે, પરંતુ દેખાવમાં તે કૃષ્ણના મૂળ દેખાવ કરતાં જુદું હોય છે. જ્યારે તેમનાં આવેશ રૂપમાં કૃષ્ણ પોતાના મૂળ રૂપના જુદાં જુદાં અંશ સાથે વિવિધ સ્વરૂપે અવતરે છે. વૈષ્ણવ માન્યતામાં કૃષ્ણ અને વિષ્ણુ – એ બન્નેમાંથી પહેલાં કોણ આવ્યું તે અંગે મતમતાંતર પ્રવર્તે છે. વૈષ્ણવ માન્યતાના તમામ સંપ્રદાયમાં વિષ્ણુને પરમાત્મા માનવામાં આવે છે જે બઘાં અવતારોનાં મૂળ સ્ત્રોત છે, જ્યારે કૃષ્ણને વિષ્ણુના પૂર્વ અવતાર ગણવામાં આવે છે. આ કારણોથી તેમને વિષ્ણુથી અભિન્ન ગણવામાં આવે છે. કેટલાક વૈષ્ણવ સંપ્રદાય કે જેમાં ગૌડીય વૈષ્ણવ, વલ્લભ અને નિંબાર્ક સંપ્રદાયમાં કૃષ્ણને ભગવાન તરીકે પૂજવામાં આવે છે. કૃષ્ણને જ બઘાં અવતારોનું મૂળ ગણવવામાં આવે છે.

મહાભારત યુદ્ધના પ્રથમ દિને અર્જુન-કૃષ્ણના સંવાદો ભગવદ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક તરીકે પ્રચલિત

હિંદુધર્મનાં વિવિધ ધર્મગ્રંથો પૈકી ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ પણ માનવામાં આવે છે. મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે. ગીતા થોડા શ્લોકોના અપવાદને બાદ કરતાં અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ ઇ.સ. પૂર્વે 3066નો માનવામાં આવે છે. મહાભારતમાં યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને પોતાનો રથ બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે અને યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઇ, યુદ્ધ ન કરવાના વિચાર કરે છે. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે, તે 18 અધ્યાય અને 700 શ્લોક ગીતા તરીકે પ્રચલિત છે. ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતાના 18મા અધ્યાયના અંતે ભગવાન કહે છે કે — સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું, હવે તારે જે પ્રમાણે કરવું હોય તે મુજબ કર…ગીતા કોઇ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.

માગસરમાં મંડાયુ હતું મહાભારત યુદ્ધ

વેદિક શોધ સંસ્થાનમના સંસ્થાપક જ્ઞાનાનંદ સરસ્વતીના શોધ મુજબ મહાભારતનો યુદ્ધ ઈસા પૂર્વે 3138માં માગસર શુક્લ એકમના રોજ શરૂ થયુ હતું.

89 વર્ષે આપ્યો ગીતા સંદેશ

વેદિક શોધ સંસ્થાનમના સંસ્થાપક જ્ઞાનાનંદ સરસ્વતીના શોધ મુજબ મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણનો આયુ 89 વર્ષ હતો. કૃષ્ણે 89 વર્ષ 2 માસ અને 7 દિવસની વયે અર્જુનને સંબોધી સમગ્ર વિશ્વનેગીતાનો સંદેશ આપ્યો હતો.

કૃષ્ણ નિર્વાણ : 18 ફેબ્રુઆરી, -3102

ભગવાન કૃષ્ણ આ પૃથ્વી ઉપર 125 વર્ષ 7 માસ અને 7 દિવસ સુધી વિચર્યા બાદ નિર્વાણ પામ્યા હતાં. જ્ઞાનાનંદ સરસ્વતીની ગણતરી મુજબ ભગવાન કૃષ્ણની નિર્વાણ તારીખ 18 ફેબ્રુઆરી હતી. ઈસા પૂર્વે 3102માં ભગવાન કૃષ્ણે 18મી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણ ખાતે ભાલકા તીર્થે દેહ છોડ્યો હતો.

કૃષ્ણ અને તેમની સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો

  1. ભગવાન શ્રી કૃષ્ણની પરદાદી મરીષા અને સાવકી માતા રોહિણી (બલારામની માતા) નાગા જાતિના હતા. શ્રી કૃષ્ણના પાલક પિતા નંદા આજે તે આહિર તરીકે ઓળખાય છે. જ્યારે તેમના અસલી પિતા વાસુદેવ યયાતિના પુત્ર યદુના વંશજ હતા. આ કારણોસર શ્રી કૃષ્ણને યાદવ કહેવામાં આવે છે.
  2. શ્રી કૃષ્ણ બાલરામથી માત્ર 1 વર્ષ અને 8 દિવસ નાના હતા, પરંતુ તેઓ તેમના ભાઈનો પિતાની જેમ જ આદર કરતા હતા.
  3. શ્રીકૃષ્ણની ચામડીનો રંગ મેઘશ્યામલ હતો અને તેના શરીરમાં માદક દ્રવ્યોની ગંધ આવતી હતી, તેથી તેને જરાસંધ અભિયાન દરમિયાન જેવા તેમના ગુપ્ત અભિયાનોમાં તેને છુપાવવાનો પ્રયાસ કરવો પડ્યો. દ્રૌપદી પણ સમાન લાક્ષણિકતાઓ ધરાવતી હતી.
  4. શ્રીકૃષ્ણ તેમના અંતિમ વર્ષો સિવાય ક્યારેય પણ દ્વારકામાં 5 મહિનાથી વધારે રહ્યા ન હતા. શ્રીકૃષ્ણ 15 વર્ષની ઉંમરે ગોકુલ છોડ્યા પછી ક્યારેય ગોકુળ પાછા ફર્યા ન હતા. તે ફરી ક્યારેય તેના માતાપિતા નંદ, યશોદા અને તેની બહેન એકનાંગાને મળ્યા ન હતા.
  5. ફક્ત શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુના પરમાવતાર અને તેમના મહાન સમકક્ષ માનવામાં આવે છે, કારણ કે તેઓ નારાયણની 15 કળાઓથી સજ્જ છે. તેમણે પોતાના ગુરુ સંદિપનિના આશ્રમમાં માત્ર 54 દિવસમાં 54 વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
  6. શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુના પરમાવતાર અથવા પૂર્ણાવતાર કહેવામાં આવે છે, કારણ કે કૃષ્ણ અવતારને નારાયણની સૌથી નજીક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શ્રી રામ ભગવાન વિષ્ણુના 12 ગુણોથી અવતરેલા છે, તેથી તેમની પાસે વધુ માનવ ગુણો હતા અને તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવાતા હતા પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન નારાયણના તમામ 15 ગુણોથી સંપન્ન છે, જેના કારણે તેઓ પરમાવતાર કહેવાતા હતા.
  7. અર્જુનને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર માનવામાં આવે છે, પરંતુ અર્જુન મદ્રાની રાજકુમારી લક્ષ્મણના સ્વયંવરમાં લક્ષ્ભેદ કરવા સક્ષમ ન હતા. ત્યાર પછી શ્રી કૃષ્ણે લક્ષ્ભેદ કરી લક્ષ્મણા સાથે લગ્ન કર્યા, જેને તેમણે પહેલાથી જ તેમના પતિ માની લીધા હતા.
  8. મહાભારત યુદ્ધમાં, કર્ણએ શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી હતી કે તેમના મૃત્યુ પછી, તેમનો અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં કોઈ પાપ ન હોય. દુનિયામાં એવું કોઈ સ્થાન નહોતું જ્યાં પાપ ન હોય. તેથી જ શ્રી કૃષ્ણએ તેમના હાથ પર કર્ણનો અંતિમ સંસ્કાર કર્યો હતો.
  9. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ક્ષત્રિયોનું કર્મ શૌર્ય, ચતુરતા, દાન અને ધૈર્ય છે જ્યારે બ્રાહ્મણોનું કર્મ તપ, પવિત્રતા, જ્ઞાન અને ક્ષમા છે. એવી જ રીતે ખેતી, ગાયોનું પાલન અને વેપાર એ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે. તેમણે ગીતામાં કહ્યું છે કે, દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન એ આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્ટોમાં ઉત્પન્ન થાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!