- પિતૃ પક્ષમાં વિશેષ દિવસ સર્વપિતૃ અમાસ છે.
- સર્વપિતૃ અમાસ એટલે પિતૃઓને વિદાય આપવાનો દિવસ…
આજે ભાદરવા મહિનાના વદ પક્ષની અમાસ છે. જે લોકોને પોતાના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ ન હોય તેમજ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ-તર્પણ કરી શકતા નથી તેઓ આ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ. આમ કરવાથી પિતૃઓ આખા વર્ષ માટે સંતુષ્ટ થઈ જાય છે. આ દિવસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. આ દિવસે બધા જ પિતૃઓનું વિસર્જન થાય છે.
સર્વપિતૃ અમાસના દિવસે પિતૃઓ પોતાના વંશજોના ઘરે હવા સ્વરૂપમાં શ્રાદ્ધ લેવા આવે છે. તેમને અનાજ-જળ ન મળે તો તેઓ દુઃખી થઈને જતાં રહે છે. જેથી ઘરના લોકોને દોષ લાગે છે અને શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવેલ પિતૃ ઋણ વધી જાય છે. એટલે સર્વપિતૃ અમાસના દિવસે જળ, તલ, જવ, કુશા અને ફૂલથી તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ. પછી ગાય, કૂતરા, કાગડા અને કીડીનું ભોજન અલગ કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી પિતૃ ઋણ ઉતરી જાય છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/Pitru-Paksha-1200x675-1-1024x576.png)
અથર્વવેદમાં ઉલ્લેખ કરાયો છે કે સૂર્ય કન્યા રાશિમાં હોય, ત્યારે પિતૃઓને તૃપ્ત કરતી સામગ્રીઓ દાન આપવાથી સ્વર્ગ મળે છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધ શરૂ થતાં જ પિતૃઓ પોતાના વંશજોને મૃત્યુલોકમાં જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે. એટલે આ દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજન અને દાન કરવામાં આવે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/7_1662522766.jpg)
શ્રાદ્ધનું મહત્વ :
પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. અને ઘરમાં સુખ અને શાંતિ રહે છે. ધર્મ-કર્મમાં રસ વધે છે. પરિવારમાં સંતાન પુષ્ટ, આયુષ્યમાન અને સૌભાગ્યશાળી થાય છે. પિતૃઓનું પૂજન કરનાર દીર્ઘાયુ, મોટા પરિવારના, યશ, સ્વર્ગ, પુષ્ટિ, બળ, લક્ષ્મી, પશુ, સુખ-સાધન તથા ધન-ધાન્ય પ્રાપ્ત કરે છે.