માતા સિદ્ધિદાત્રી દુર્ગા માતાનો નવમો અવતાર છે. નવરાત્રીના નવમા દિવસે એટલે કે નૌમના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે, માતા સિદ્ધિદાત્રી તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી માતા છે. તેમને ચાર હાથ છે અને તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમનું વાહન પણ સિંહ છે. તેમના નીચેના જમણા હાથમાં ચક્ર છે અને ઉપરના હાથમાં ગદા છે. નીચેના ડાબા હાથમાં કમળનું ફૂલ છે અને ઉપરના હાથમાં શંખ છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ નામની આઠ સિદ્ધિઓનો પ્રાચીન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. મા સિદ્ધિદાત્રીની ઉપાસના અને કૃપાથી આ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે.
મા સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરવાનો મંત્ર
ह्रीं क्लीं ऐं सिद्धये नम: ।।
માતા સિદ્ધિદાત્રીની પૂજા
સવારના સમયમાં માતા સમક્ષ દીપ પ્રગટાવો, માતાને નવ કમળના ફૂલ અર્પિત કરો. ત્યારબાદ માતાને નવ પ્રકારના ભોજન અર્પિણ કરો. નવરાત્રિના સમાપન માટે નવમી પૂજનમાં હવન પણ થાય છે. તેના પૂજન અને કથા બાદ જ નવરાત્રિનું સમાપન થાય તે શુભ મનાય છે. આ દિવસે દુર્ગા સપ્તશતીના નવમાં અધ્યાયથી માતાનું પૂજન કરો. નવરાત્રમાં આ દિવસે દેવી સહિત તેમના વાહન , હથિયારો, અન્ય દેવી દેવતાઓના નામથી હવન કરવાનું વિધાન છે.