Published by : Anu Shukla
મુકેશ અંબાણીના રિલાયન્સ રિલેટ વેન્ચર્સ લિમિટેડની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડએ વર્ષ 2023ની પહેલી મોટી ડીલ કરી છે. રિલાયન્સ કન્ઝ્યુમરે ગુજરાતનું દેશી પીણું કહેવાતી 100 વર્ષ જૂની Sosyo Hajoori બેવરેજ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં 50 ટકા હિસ્સેદારી ખરીદી છે. આ ડીલથી બંને કંપનીઓને બરાબરની હિસ્સેદારી મળશે અને રિલાયન્સ તેમાં કન્ઝ્યુમર જોઈન્ટ વેન્ચર તરીકે કામ કરશે.
ગુજરાતના સુરતથી શરૂ થયેલી Sosyo બ્રાન્ડ અંતર્ગત સોફ્ટ ડ્રિંકનો બિઝનેસ કંપની કરે છે. તેની સ્થાપના 1923માં થઈ હતી અને તેના પ્રમોટર હજૂરી પરિવાર છે. તેની સ્થાપના અબ્બાસ અબ્દુલરહીમ હજૂરીએ કરી હતી. અબ્બાસ હજૂરી અને તેમના દીકરા અલિયાસગર હજૂરી દ્વારા સંચાલિત કંપનીના પોર્ટફોલિયોમાં ઘણી બેવરેજ બ્રાન્ડ સામેલ છે. જેમાં સોસ્યો, કાશ્મીરા, લેમી, જિનલિમ, રનર, ઓપનર, હજૂરી સોડા અને S’eau સામેલ છે.
ડીલ બાદ ઈશા અંબાણીએ શું કહ્યું?
રિલાયન્સ રિટેલની કાર્યકારી નિર્દેશક ઈશા અંબાણીએ આ ડીલ બાદ કહ્યું કે, આ રોકાણ અમે સ્થાનિક વિરાસત બ્રાન્ડોને સશક્ત બનાવવા અને તેમને આગળ વધવામાં મદદ કરવા માટે કર્યું છે. અમે અમારી કન્ઝ્યુમર બ્રાન્ડના પોર્ટફોલિયોમાં સદીઓ જૂની Sosyo બ્રાન્ડનું સ્વાગત કરીએ છીએ.