Published by : Anu Shukla
- ઔદ્યોગિક ભરૂચ જિલ્લાને નવા 4 ધન્વંતરી રથની ફાળવણી, 9 તાલુકામાં હવે 5 રથ શ્રમિકોના આરોગ્યની લેશે કાળજી
- જિલ્લા કલેકટરે અદ્યતન સુવિધાથી સજ્જ 4 નવા ધન્વંતરિ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
- તંત્રના ચોપડે અત્યાર સુધી નોંધાયેલા 9 હજાર શ્રમિકો જ્યારે બિન નોંધાયેલા શ્રમિકોની સંખ્યા દોઢથી બે લાખ
- ચાર કડિયાનાકે અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને 5 રૂપિયામાં યોજના હેઠળ અપાતું ભોજન
ગુજરાતમાં બાંધકામ સહિતના ક્ષેત્રે સંકળાયેલા કોઈપણ શ્રમિકને આરોગ્યલક્ષી તમામ મદદ, યોજનાની જાણકારી અને લાભો મળી રહે તે માટે રાજ્ય સરકારે 108ની જેમ 155372 શ્રમિક હેલ્પ લાઈન સહાય સેવા શરૂ કરી છે. જે શ્રમિકોને 24 કલાક 365 દિવસ સહાય માટે સેવામાં કાર્યરત રહેશે.
ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા જિલ્લામાં અધ્યતન સુવિધાઓથી સજ્જ નવા 3 ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સયુંકત ઉપક્રમે EMRI , ગ્રીન હેલ્થ સર્વિસીસ હસ્તક કાર્યરત ધનવંતરી આરોગ્ય રથને બુધવારે કલેક્ટર કચેરીથી કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રજાજનોની સેવા માટે રવાના કર્યા હતા.
સર્વે સન્તુ નિરામય : સંસ્કૃતનાં આ શ્લોકને સાર્થક કરતુ ગુજરાત સરકારનાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની સંયુક્ત પહેલ હેઠળ કાર્યાન્વિત ધન્વંતરિ આરોગ્ય રથ સેવા , બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવા કડીયાનાકા અને બાંધકામ સાઈટ સુધી પહોંચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.
ગુજરાત સરકારની નેમ છે કે આપણું રાજ્ય નીરોગી રાજ્ય બને એટલા માટે રાજ્યના દરેક કડીયાનાકે અને બાંધકામ સાઈટ પર ધન્વંતરિ આરોગ્ય રથ જઈને તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ, અને તંદુરસ્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય સાર્થક કરે તે મિશન સાથે ચાર ધન્વંતરિઆરોગ્ય રથ સેવાની શરૂઆત કરવામાં આવી છે ધન્વંતરિઆરોગ્ય રથ સેવા સાચા અર્થમાં બાંધકામ શ્રમિકો માટે આશીર્વાદ રૂપ બની રહે તે હેતુથી રાજ્યના દરેક કડીયાનાકે તથા બાંધકામ સાઈટ પર જઈને બાંધકામ શ્રમિકોની નોંધણી અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
આ સેવાનું સંચાલાન ઈએમઆરઆઈ, ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે છેલ્લા 15 વર્ષથી 108 ઈમરજન્સી સેવા , ખિલખિલાટ, 104 હેલ્થ હેલ્પલાઈન, 155372 શ્રમિક સહાયક હેલ્પલાઈન જેવી વિવિધ સેવાઓનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યું છે, જેના દ્વારા કરવામાં આવે છે. તમામ ધન્વંતરિ આરોગ્ય રથ અદ્યતન ટેકનોલોજી જેવી કે ઓનલાઈન ડેટા ટ્રાન્સફર, જીપીએસ, વગેરે અદ્યતન સંશાધનોથી સુસજ્જ છે અને તમામ ધન્વંતરિ આરોગ્ય રથમાં તાલીમબધ કર્મચારીગણ દ્વારા તબીબી સેવાઓ આપવામાં આવે છે.
ભરૂચ જિલ્લામાં હવે 9 તાલુકામાં 5 રથ ફરતા થયા છે. જેના થકી વિવિધ કડીયાનાકાઓ , બાંધકામ સાઈટો અને શ્રમિક વસાહતોમાં આરોગ્યની પ્રાથમિક સારવારનો લાભ કોઈ પણ બાંધકામ શ્રમિક નિઃશુલ્ક મેળવી શકશે અને બાંધકામ શ્રમિક તરીકે નોંધણી પણ કરાવી શકે છે.
કાર્યક્રમમાં RDC એન.આર. ધાંધલ, શ્રમયોગી કલ્યાણ બોર્ડ જીલ્લા નિરીક્ષક પી.કે.પટેલ, જીલ્લા પ્રોજેક્ટ મેનેજર કિંજલબેન પટેલ, CDMO જે ડી પરમાર, 108 ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે, પ્રોજેક્ટ કોર્ડીનેટર સચિન સુથાર તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. જિલ્લામાં હાલ તંત્રના ચોપડે 9000 શ્રમિકો નોંધાયેલા છે. જિલ્લામાં 4 કડીયાનાકે શ્રમિકોને 5 રૂપિયામાં ભોજન અપાઈ છે. જ્યારે બિન નોંધાયેલા શ્રમિકોનો આંક જિલ્લામાં દોઢ થી બે લાખ ઉપર છે.

ધન્વંતરિઆરોગ્ય રથમાં ઉપલબ્ધ સેવાઓ
બાંધકામ શ્રમિકોની નોંધણી, બાંધકામ સાઈટો , કડીયાનાકો અને શ્રમિક વસાહતો ખાતે બાંધકામ શ્રમિકોની વિના મુલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ-નિર્માણ કાર્ડ બનાવી આપવામાં આવશે. શ્રમિક પરામર્શ અને યોજનાકીય સહાય.
તબીબી અને લેબોરેટરી સેવાઓ
તાવ, ઝાડા, ઉલટીની સારવાર, ચામડીનાં રોગોની સારવાર, સામાન્ય રોગોની સારવાર, મેલેરીયાની તપાસ, પેશાબની તપાસ, લોહીમાં સુગરની તપાસ, પ્રેગનેન્સી ટેસ્ટ, આ સાથે ડોક્ટરની સલાહ મુજબ જરૂરી દવાઓ તદ્દન મફત આપવામાં આવે છે. નાની ઈજા તેમજ ડ્રેસિંગ વગેરેની સારવાર, રેફરલ સેવા, નાના બાળકોની સારવાર, સગર્ભા માતાની પ્રાથમિક તપાસ, હિમોગ્લોબીનની તપાસ થશે.