રિપોર્ટ અનુસાર, મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝની ડ્રેસ-ડિઝાઈનરની પૂછપરછમાં લિપાક્ષીએ સુકેશ પાસેથી 3 કરોડ રૂપિયા લીધા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. લિપાક્ષીએ જણાવ્યું હતું કે ઠગી સુકેશ ચંદ્રશેખરે તેને જેકલિનને કપડાં અને ગિફ્ટ્સ આપવા માટે 3 કરોડ રૂપિયા આપ્યા હતા. સુકેશે ગત વર્ષે જેકલિનની કપડાની પસંદ, બ્રાન્ડ્સ વિશે જાણવા માટે તેનો સંપર્ક કર્યો હતો. સુકેશે તેના પાસેથી સૂચનો લીધા હતા અને કપડાની ખરીદી કરવા માટે 3 કરોડ રૂપિયા આપ્યા હતા.

બોલીવુડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝની મુશ્કેલીમાં ત્યારે વધારો થયો જ્યારે EDએ તેનું નામ 215 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં નામ આપ્યું હતું. કેન્દ્રીય એજન્સીના જણાવ્યા પ્રમાણે ઠગ સુકેશની સમગ્ર જાણકારી જેકલિનને હતી. તો ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુકેશ સાથે જેકલિનના સંબંધોથી તેના પરિવાર અને મિત્રોને પણ ફાયદો થયો છે. જેક્લિને આ અંગે તેના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું.
તિહાડ જેલમાં જ કેદ સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ માટે તેમની પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. સુકેશની છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. જે બાદ EDએ સુકેશ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.




