Published By : Patel Shital
- દરેક ગામમાં આવુ થાય તો કેવું સારુ…
- ગામના 8 લોકોને કેન્સરની બિમારી થતા ખેડુતોએ તમાકુની ખેતી જ છોડી…
વ્યસન કરવું એ જાણે ફેશન બની ગયું છે. ત્યારે ગુજરાતનું એક ગામ એવું છે કે જ્યાં આખા ગામમાં કોઇ પણ વ્યકિત વ્યસન કરતું નથી. ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં આશરે 6 હજારની વસ્તી ધરાવતા વડનગરના બાદરપુર ગામમાં સૌ કોઇ વ્યસનથી દૂર જ રહે છે. એટલુ જ નહિ પરંતુ આ ગામમાં છેલ્લા 21 વર્ષથી ગુટખા-તમાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. અને તેથી જ આ ગામ વ્યસન અંગેનાં આ નિર્ણયને કારણે કોઇ મંદિર, મસ્જિક કે પ્રવાસન સ્થળથી નહીં પણ પોતાના અડીખમ વ્યસન થી દૂર રહેવાના નિર્ણયથી ઓળખાય છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/BADARPUR.jpg)
મહેસાણાથી આશરે 35 કિલોમીટર દૂર આવેલા વડનગરના બાદરપુર ગામમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકો રહે છે. આખે-આખા ગામને વ્યસન મુક્ત કરવું એ કોઈ નાનો નિર્ણય નથી પરંતુ ખુબ મુશ્કેલ કામ છે. બન્યું એવું કે વર્ષ 1997 ના અરસામાં આ ગામના એક યુવાનનું વ્યસનના કારણે મોત થયું હતું. માત્ર અને માત્ર વ્યસનના કારણે યુવકનું ગંભીર બિમારીથી મોત નિપજ્યાં બાદ એક પછી એક વર્ષ 1997 થી 2001ના સમયગાળામાં ગામના 8 જેટલા લોકોને કેન્સરની બિમારી થઈ હોવાનું સામે આવતા ગામના સરપંચ ગુલામ હૈદરે ગામના લોકોને ભેગા કર્યા અને નિર્ણય લીધો. આ નિર્ણય એ હતો કે, આજ પછી ગામમાં કોઇએ વ્યસન કરવું નહીં તેમજ કોઇ પણ પ્રકારના ગુટખા, તમાકુ અને બીડી જેવી વસ્તુંનું વેચાણ પણ કરવું નહીં. સરપંચ દ્વારા સંભળાવવામાં આવેલ આ નિર્ણયને આખા ગામે વધાવી લીધો. ત્યારબાદ બીજા દિવસે ગામમાં જેટલી દુકાનો પર ગુટખા, તમાકુની વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ ગામ લોકોએ ખરીદી લીધી અને તેની હોળી કરી દીધી. ત્યારથી લઈને આજ સુધી કોઇ પણ પ્રકારની દંડકીય કાર્યવાહી વગર આજે 21 વર્ષ બાદ પણ બાદરપુર ગામ પોતાના અડીખમ નિર્ણય પર અડગ છે. એટલુ જ નહિ પરંતુ સરપંચના આ નિર્ણય બાદ ગામના ખેડૂતોએ પણ તમાકુની ખેતી કરવાનું બંધ કરી દીધું અને ગામને આ વ્યસનની જાળમાંથી બહાર લાવવામાં મદદ કરી હતી.