Published By:- Bhavika Sasiya
- E5 શિંકનસેન ટ્રેનસેટમાં 10 કોચ હશે અને તેમાં 690 મુસાફરોની બેઠક ક્ષમતા હશે.
- હિટાચી રેલ અને કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝ સહિતની જાપાનીઝ કંપનીઓ જ આવા ટ્રેનસેટ્સનું ઉત્પાદન કરે છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા હવે બુલેટ ટ્રેનના 24 સેટ ખરીદવા ₹11,000 કરોડનું ટેન્ડર NHSRCL દ્વારા બહાર પડાયું છે. જેમાં ફક્ત જાપાનીઝ કંપનીઓ જ ભાગ લઈ શકશે.

દેશની પેહલી હાઇસ્પીડ બુલેટ ટ્રેન ગુજરાતના ભાગમાં 2027 સુધીમાં દોડતી કરવા હવે ટ્રેન ખરીદવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી JICA દ્વારા ભંડોળના ધોરણો અનુસાર, માત્ર જાપાનીઝ કંપનીઓને જ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. હિટાચી રેલ અને કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝ એવી કેટલીક જાપાનીઝ કંપનીઓમાં સામેલ છે જે આવા ટ્રેનસેટ્સનું ઉત્પાદન કરે છે.

નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ NHRSCL એ આશરે રૂ. 11,000 કરોડના ખર્ચે 24 E5 સિરીઝ શિંકનસેન ટ્રેનસેટ ખરીદવા માટે ટેન્ડરની જાહેરાત કરી છે. સરકારનું લક્ષ્ય 2027 સુધીમાં અમદાવાદ-મુંબઈ કોરિડોરના ગુજરાત વિભાગ પર પ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરવાનું છે.
NHRSCLના પ્રવક્તાએ ટ્રેનસેટ્સની પ્રાપ્તિ માટે પ્રસ્તાવના આમંત્રણ IFP જારી કરવાની પુષ્ટિ કરી છે. રોલિંગ સ્ટોકની અંદાજિત કિંમત આ તબક્કે જાહેર કરાઈ નથી, કારણ કે IFP હમણાં જ બહાર પાડવામાં આવ્યું છે.

રસ ધરાવતી કંપનીઓએ ઓક્ટોબરના અંત સુધીમાં તેમની બિડ સબમિટ કરવાની રહેશે. દરેક શિંકનસેન ટ્રેનસેટમાં 10 કોચ હશે અને તેમાં 690 મુસાફરોની બેઠક ક્ષમતા હશે. ભારે ગરમ હવામાન અને ધૂળ જેવી ભારતીય પરિસ્થિતિઓને અનુરૂપ ટ્રેનસેટમાં તે મુજબ ફેરફાર કરવામાં આવશે.
ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સારી રીતે ચાલી રહ્યું છે, કુલ 508 કિમીમાંથી લગભગ 349 કિમી રાજ્યની અંદર આવે છે. પરિણામે, ટ્રેનો શરૂઆતમાં આ વિભાગ પર સંચાલન શરૂ કરી શકે છે.
સમગ્ર પ્રોજેક્ટની સંશોધિત કિંમત 1.08 લાખ કરોડ રૂપિયાનો અંદાજ લગાવાયો હતો. જે હવે તમામ કોન્ટ્રેક્ટને આખરી ઓપ આપવામાં આવે અને જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી જ અંતિમ કિંમત નક્કી કરી શકાય છે. જોકે હાલ વર્તમાન ખર્ચ રૂ. 1.6 લાખ કરોડથી વધુ છે. એટલે કે પ્રોજેકટ કોસ્ટ અત્યારે જ 52 લાખ કરોડ વધી ગયો છે.