આજે ૨૬ સપ્ટેમ્બર શારદીય નવરાત્રીનો પ્રથમ દિવસ છે. પ્રાચીન ભારતીય પરંપરામાં માતા દુર્ગાને શક્તિની દેવી માનવામાં આવે છે. આ નવ દિવસ તેમના વિવિધ સ્વરૂપોની પૂજા, અર્ચના અને સ્તુતિ કરવામાં આવે છે. માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા એટલે નવરાત્રીનો તહેવાર. મા દુર્ગાના 9 સ્વરૂપો છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી.
માતા શૈલપુત્રી દુર્ગા માતાનો પ્રથમ અવતાર છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન સાથે તેમની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીનો જન્મ પર્વત રાજા હિમાતાલયની પુત્રી તરીકે થયો હતો, તેથી તેમનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું હતું. વૃષભ (બળદ) તેમનું વાહન હોવાને કારણે તેઓ વૃષભારુધા તરીકે પણ ઓળખાય છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે.
પોતાના પુર્વ જન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે અવતર્યા હતા . ત્યારે તેમનુ નામ ‘ સતી ’ હતું . તેમના વિવાહ ભગવાન શંકરજી સાથે થયા હતા. એક વખત પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞ કર્યો. તેમાં તેમણે બધા દેવતાઓને યજ્ઞમાં ભાગ લેવા માટે નિમંત્રિત કર્યા. પરંતુ તેમણે શંકરજીને આ યજ્ઞમાં નિમંત્રિત ન કર્યા.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/download-17-2.jpg)
સતીએ જ્યારે આ સાંભળ્યું ત્યારે ત્યાં જવા માટે તેમનુ મન વ્યાકુળ થઈ ઊઠ્યું હતું. પિતાનો યજ્ઞ જોવા અને ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી થઈ નહિ . તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી . પિતાના ઘેર પહોંચીને સતીએ જોયુંકે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમ થી વાતચીત કરી રહ્યું નથી. પરિજનોના આ વ્યવહારથી તેમના મનમાં ઘણો ક્લેશ અને દુઃખ પહોંચ્યું. દક્ષે ભગવાન સદાશિવ પ્રત્યે અપમાનજનક વચનો બોલ્યા હતા. આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ , ગ્લાનિ અને ક્રોધથી તપી ઉઠ્યું હતું. તેમણે વિચાર્યું , ભગવાન શંકરજીની વાત ન માનીને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે.
તેઓ પોતાના પતિ ભગવાન શંકરના અપમાનને સહી ન શક્યાં . યોગાગ્નિ દ્વારા પોતાના રૂપને તેમણે તત્કાળ બાળીને ભસ્મ કરી નાખ્યું . આ દારુણ – દુઃખદ બીના સાંભળી શંકરજીએ ક્રોધિત થઇ પોતાની જટાની લટમાંથી ગણ વિરભદ્રને મોકલી દક્ષના તે યજ્ઞનો સંપૂર્ણ વિધ્વંસ કરાવી નાખ્યો . સતિયે યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રીરૂપે નવો જન્મ લીધો. તેઓ હવે ‘શૈલપુત્રી ’ નામે સુખ્યાત થયા.
શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો હતો. પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ તેઓ શિવજીના અર્ધાંગના બન્યા હતા. નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્વ અને શક્તિઓ અનંત છે. નવરાત્રી પૂજનમાં પ્રથમ દિવસે તેમની જ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. મા શૈલપુત્રીનો પ્રિય રંગ પીળો છે, તેથી મા શૈલપુત્રીની પુજા પીળા વસ્ત્રોમાં કરવાથી માતા પ્રસન્ન થાય છે.