સોના સહિતની કિંમતી ધાતુઓની દાણચોરી અને ફ્લાઈટમાં ડ્રગ્સ લાવવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. આવી જ રીતે ચાલાકી વાપરીને કરોડોનું ડ્રગ્સ લાવવાની કોશિશ કરનારા બે મુંબઈ એરપોર્ટ પરથી પકડાયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્સ મુજબ કુલ 31.3 કરોડનું 4.8 કિલોગ્રામ હેરોઈન અને 16 કરોડ રૂપિયાનું 1.6 કિલોગ્રામ કોકેઈન કબજે કરવામાં સુરક્ષાકર્મીઓને સફળતા મળી છે.
બે કેસ નોંધાયા છે, જેમાં એક કેસમાં 23 વર્ષના દિલ્હીના મહેરોલીના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ 1.6 કિલોગ્રામ કોકેઈનના સ્મગલિંગની કોશિશ કરી રહ્યો હતો. તેણે સ્ત્રીઓના પહેરવેશ કુર્તાની અંદર કોકેઈન ભરેલી બોટલ અને પાઉચ છુપાવ્યા હતા.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/01/download-26-3.jpg)
અધિકારીઓને શંકા જતા તપાસમાં ભાંડો ફૂટ્યો યુનિફોર્મ ડીના અધિકારીઓ એરપોર્ટ પર સતર્ક હતા ત્યારે અંકિત સિંઘ નામનો ઈથોપિયાથી આવેલો યુવક પોતાની સાથે શંકાસ્પદ વસ્તુ લઈને જઈ રહ્યો હતો. તેના પર શંકા જતા તેને રોકીને તપાસ કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે તેની પાસે 1,596 ગ્રામ કોકેઈન હતું. જેને પાઉચમાં અને બોટલમાં છૂપાવીને રાખવામાં આવ્યું હતું.સિફત પૂર્વક ડૉક્યુમેન્ટ્સમાં છૂપાવ્યું હતું હેરોઈન
આ સિવાય એક અન્ય કેસમાં ફૈઝલ સાબર નામનો મુસાફર પકડાયો છે કે જે કેન્યા એરવેઝમાં નેરોબી થઈને જોહનિસબર્ગથી આવ્યો હતો. જેની પાસેથી કુલ 4,470 ગ્રામ હેરોઈન મળી આવ્યું છે. શંકા જતા ફૈઝલને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી જેમાં આ મોટો ખુલાસો થયો છે.
અધિકારીએ આ અંગે જણાવ્યું કે ફૈઝલ પાસેથી 12 ડોક્યુમેન્ટ્સવાળા ફોલ્ડર મળ્યા હતા. સિફત પૂર્વક ડૉક્યુમેન્ટ્સ હોય તે રીતે પ્લાસ્ટિકની થેલીમાં પતલું લેયર બનાવીને હેરોઈન ભર્યું હતું. હેરોઈન લઈને આવેલા શખ્સની ધરપકડ કરીને જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૈઝલ અને અંકિત નામના શખ્સે અગાઉ આ રીતે ડ્રગ્સની હેરાફેરી કે અન્ય ગેરકાયદે કૃત્ય આચર્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.