ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં બલિ રાજા પાસે 3 ડગલાં જમીન માંગી હોવાની પ્રચલિત કથા
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે બલિ રાજાએ યજ્ઞ કર્યો હોવાની વાયકા
7 સપ્ટેમ્બર, બુધવારે વામન જયંતિ છે. દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની બારસે વામન પ્રકટોત્સવ ઉજવવામાં આવે છે. ભાગવત કથાના આઠમા સ્કંધના અઠારમાં અધ્યાયની કથા પ્રમાણે સતયુગમાં આ દિવસે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. આ અવતાર શ્રીમદ્ ભાગવત કથામાં જણાવેલ ચોવીસ અવતારોમાં પંદરમો અવતાર હતો. ભારતના કેરળ રાજ્યમાં થ્રીક્કાકરા, કોચીમાં આવેલું વામનમૂર્તિ મંદિર જેને થિરુકટકરાય વામનમૂર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વામન જંયતિએ અહીં ખાસ પૂજા કર્યા બાદ ઓણમ પર્વની શરૂઆત થાય છે. અહીંના લોકોના જણાવ્યા પ્રમાણે ઓણમ ઉત્સવ દરમિયાન રાજા બલિ અહીં આવે છે. એ ભારતના હિંદુ મંદિરોમાંનું એક છે જે ભગવાન વામન / વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર કેરળના લોકપ્રિય તહેવાર ઓણમની ઉજવણીનું કેન્દ્ર અને ઉત્પત્તિનું સ્થળ છે. આ મંદિર લગભગ 2000 વર્ષ જૂનું છે, અને તે 108 દિવ્ય સ્થાનોમાંના એક સ્થાન તરીકે પણ સૂચિબદ્ધ છે.
વામન અવતાર સાથે જોડાયેલી કથા
સતયુગમાં અસુર બલિએ દેવતાઓને હરાવીને સ્વર્ગલોક ઉપર અધિકાર કરી લીધો હતો. ત્યાર બાદ દેવતા ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા પહોંચ્યાં. ત્યારે વિષ્ણુજીએ દેવમાતા અદિતિના ગર્ભથી વામન સ્વરૂપમાં અવતાર લીધો. ત્યાર બાદ એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતાં, ત્યારે વામનદેવ બલિ પાસે ગયાં અને ત્રણ પગ ધરતી દાનમાં માંગ્યાં. શુક્રાચાર્યએ ના પાડી હોવા છતાં રાજા બલિએ વામનદેવને ત્રણ પગ ધરતી દાનમાં આપવાનું વચન આપ્યું. ત્યાર બાદ વામનદેવે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. એક પગ ધરતી અને બીજા પગમાં સ્વર્ગ માપી લીધું. ત્રીજો પગ રાખવા માટે કોઇ સ્થાન હતું નહીં એટલે બલિએ વામન દેવને પોતાના માથા ઉપર પગ રાખવા માટે કહ્યું. ભરૂચ દશાશ્વમેઘ ઘાટ ખાતે બલી રાજએ આ યજ્ઞ કર્યો હતો તેવી પણ વાત પ્રચલિત છે. વામનદેવે બલિના માથા ઉપર પગ રાખ્યો અને તે પાતાળ લોક પહોંચી ગયો. બલિની દાનવીરતાથી પ્રસન્ન થઇને ભગવાને તેને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો અને બધા દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું આપી દીધું. આ બાદ બલિ રાજાએ ભગવાન વિષ્ણુને પોતાના દ્વારપાલ તરીકે રાખ્યા હોવાની પણ કથા પ્રચલિત છે.