Published by : Vanshika Gor
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાશે. આ મેચમાં 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) માસ્ટર પ્લાન બનાવ્યો છે. મેચમાં ટિકિટનો મિનિમમ ભાવ 200 રૂપિયા છે. આ પાછળનો હેતુ છે કે, વધુને વધુ લોકો ક્રિકેટના લોન્ગેસ્ટ અને ટ્રુએસ્ટ ફોર્મેટને માળવા સ્ટેડિયમ આવે. તેમજ આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ દરમિયાન સૌથી વધુ દર્શકોનો રેકોર્ડ સ્થાપિત કરે.
શું છે જૂનો રેકોર્ડ?
આમ જોવા જઈએ તો અન-ઓફિશિયલી એક ટેસ્ટમાં સૌથી વધુ ઓડિયન્સનો રેકોર્ડ કોલકાતાના ઈડન ગાર્ડન્સના નામે છે. ભારત-પાકિસ્તાનની 1998-99ની ટેસ્ટ દરમિયાન અહીં 4.65 લાખ દર્શકોએ હાજરી આપી હતી. જો કે, ઈએસપીએન ક્રિકઇન્ફો અનુસાર આ મેચમાં ઓફિશિયલ ફિગર્સ જાહેર કરવામાં નહોતા આવ્યા. ઓફિશિયલ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ટેસ્ટમાં સૌથી વધુ ઓડિયન્સનો રેકોર્ડ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના નામે છે.

86 વર્ષ જૂનો રેકોર્ડ હજી યથાવત છે
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 1936-37માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટેસ્ટમાં દર્શકોની કુલ સંખ્યા 350,534 રહી હતી. આ રેકોર્ડ હજી અકબંધ છે. 1.32 લાખની બેઠક ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ દરમિયાનના 5 દિવસોમાં 3.51 લાખ દર્શકો આવશે તો નવો વર્લ્ડ રેકોર્ડ બની જશે. આજે જ્યારે ભારત ક્રિકેટનું પાવરહાઉસ છે, ત્યારે આ રેકોર્ડને તોડવાનો અને ભારતમાં રમતનું સૌથી રિયલ ફોર્મેટ કઈ હદે ધબકે છે, તે સાબિત કરવા જય શાહે જે પગલું ભર્યું છે, તેના કરવામાં આવે એટલા વખાણ ઓછા છે. જય હો!
અમદાવાદની મેચમાં ટિકિટનો ભાવ
અમદાવાદ ખાતે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં 5 ભાવ નક્કી કરવામાં આવ્યા છે. મિનિમમ પ્રાઇસ 200 રૂપિયા છે. જ્યારે મેક્સિમમ પ્રાઇસ 2500 રૂપિયા છે, જે પ્રેસિડન્ટ ગેલેરી લેવલ-3નો ભાવ છે. એ સિવાય અન્ય ટિકિટના ભાવ 300, 350 અને 1 હજાર રૂપિયા છે.