શ્રાવણ મહનાનું બીજું પ્રદોષ વ્રત 9 ઓગસ્ટના રોજ રહેશે. આ દિવસે ભગવાન શિવની ખાસ પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. મંગળવારનો દિવસ હોવાથી તેને ભોમ પ્રદોષ કહેવામાં આવે છે. શિવ અને સ્કંદપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભોમ પ્રદોષના દિવસે શિવજીની પૂજા કરવાથી બીમારીઓ દૂર થવા લાગે છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.શિવ અને સ્કંદપુરાણ પ્રમાણે, પ્રદોષ એટલે તેરસ તિથિએ સાંજે સૂર્યાસ્ત સમયે એટલે પ્રદોષ કાળમાં ભગવાન શિવ કૈલાશ ઉપર પોતાના રજત ભવનમાં નૃત્ય કરે છે.
મંગળવારે તેરસ તિથિ
શ્રાવણનું બીજું પ્રદોષ વ્રત મંગળવારે રહેશે. સુદ પક્ષની તેરસ તિથિ મંગળવાર સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાથી શરૂ થઈ જશે. જે બુધવારે બપોરે લગભગ 2.15 વાગ્યા સુધી રહેશે. મંગળવારે સૂર્યાસ્ત એટલે પ્રદોષકાળમાં તેરસ તિથિ હોવાથી આ દિવસે આ વ્રત કરવું જોઈએ.
ભોમ પ્રદોષનું મહત્વ
પ્રદોષ વ્રતનું મહત્વ સપ્તાહના દિવસો પ્રમાણે અલગ-અલગ હોય છે. મંગળવારે આવતાં પ્રદોષ વ્રતમાં પૂજા કરવાથી ઉંમર વધે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ વ્રતના પ્રભાવથી બીમારીઓ દૂર થાય છે અને કોઇપણ પ્રકારની શારીરિક પરેશાનીઓ થતી નથી. આ દિવસે શિવ-શક્તિ પૂજા કરવાથી દાંપત્ય સુખ વધે છે. મંગળવારે પ્રદોષ વ્રત અને પૂજા કરવાથી પરેશાનીઓ પણ દૂર થવા લાગે છે. ભોમ પ્રદોષનો સંયોગ અનેક પ્રકારના દોષને દૂર કરે છે. આ સંયોગના પ્રભાવથી ઉન્નતિ મળે છે. આ વ્રત કરવાથી પરિવાર હંમેશાં સ્વસ્થ રહે છે. સાથે જ બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.