- પોતાના સંતાનને ઝેરી જીવજંતુએ કરડી લેતા ગંભીર હાલતને જોઈ માતા દુઃખ સહન ન કરી શકી
- ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દીકરો જીવન મરણ વચ્ચે અને માતાનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં
ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે ઘરમાં રાતે સુતા પુત્રને સર્પે દંશ દેતા આઘાતમાં માતાનું મૃત્યુ થયું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે.
ફૂલવાડી ગામે એક કોલોનીમાં શંકર કુરવે પોતાના પરિવાર સાથે રાતે સુતા હતા. મોડી રાત્રે કોઈ ઝેરી જીવજંતુએ શંકર કુરવેના દીકરાને ડંખ મારી લેતા તેને પ્રથમ સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. હાલત અત્યંત નાજુક લાગતા વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુરમાં દાખલ કરાયો હતો. દીકરાની આવી સ્થિતિ જોઈ માતા પણ આઘાતમાં સરી પડી હતી.
દીકરાનું શું થશે તેવી ચિંતામાં માતા ઢળી પડી હતી અને તાત્કાલિક તબીબોએ તપાસ કરતા તેને મરણ જાહેર કરી હતી.હૃદય રોગના હુમલાથી મોત થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે અને મૃતક માતાને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ ખાતે ખસેડી છે જ્યારે સંતાન હજુ આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.