- ભોલાવ, શીતલ, ઝાડેશ્વર, ઝઘડિયા, શુકલતીર્થ ખાતેથી થશે મેળા વિશેષ બસોનું સંચાલન
- ત્રણ વર્ષ પહેલાં ત્રણ દિવસમાં જ 21 હજાર મુસાફરોએ બસમાં મેળો મહાલ્યો હતો
- અવ્યવસ્થા અને અનિચ્છનીય બનાવ ટાળવા રસ્તો વન વે જાહેર કરાતા એસટી બસનું મુસાફરોએ વધુ રિટર્ન ભાડું ચૂકવવું પડશે
ભરૂચના શુકલતીર્થ ગામે સૈકાઓથી પાંચ દિવસ ભરાતી જાત્રા અને મેળો બે વર્ષ બાદ યોજાવા જઈ રહ્યો છે ત્યારે મોરબી હોનારત બાદ ભરૂચ એસટી વિભાગ મેળા વિશેષ આયોજનમાં ખાસ તકેદારી સાથે જોતરાઈ ગયું છે.ભરૂચ એસટી વિભાગ દ્વારા શુકલતીર્થ જાત્રાને લઈ 30 થી વધુ મેળા વિશેષ બસો સંચાલનમાં મુકવામાં આવનાર છે.

ભોલાવ ડેપો અને શુકલતીર્થ ખાતે માંડવા ટાણી સંચાલન હાથ ધરાશે. જેમાં શીતલ સર્કલ, ઝાડેશ્વર અને ઝઘડિયા ખાતે પણ મેળા માટે બસો દોડાવવાનાં પોઇન્ટ ઉભા કરાયા છે.બે વર્ષ બાદ મેળો યોજાઈ રહ્યો હોય ભરૂચ એસટી વિભાગના સિનિયર ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર સી.ડી. મહાજને વિશેષ તકેદારી સાથે વ્યવસ્થા કરાઈ રહી હોવાનું ઉમેર્યું છે.

આ ઉપરાંત જિલ્લાના અન્ય તમામ ડેપો અને બસ સ્ટેન્ડ ઉપરથી પણ લોકોના ઘસારા પ્રમાણે શુકલતીર્થ મેળા માટે બસોનું સંચાલન થશે. છેલ્લા ત્રણ મુખ્ય દિવસમાં ભીડ અને ટ્રાફિક વધતા વન વે કરવામાં આવતા રિટર્ન ભાડું પણ વધશે.વર્ષ 2018 માં જ ભરૂચ એસટીને મેળા થકી 3 દિવસમાં રૂપિયા 5.36 લાખની આવક થઈ હતી. એસટી બસમાં જ 21621 લોકોએ મુસાફરી કરી મેળો માહલ્યો હતો.