દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. આજે એટલે કે શુક્રવારે સવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) દિલ્હી યુનિવર્સિટી પાસે 563, નોઈડામાં 562 અને ગુરુગ્રામમાં 539 નોંધાયો હતો. નોઈડા પ્રશાસને પ્રદૂષણના કારણે શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે. નોઈડામાં ધોરણ 1 થી 8 ના વર્ગો આજથી 8 નવેમ્બર સુધી ઓનલાઈન ચાલશે.
ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઑફ સ્કૂલ્સ (DIOS) ગૌતમ બુદ્ધ નગર ધરમવીર સિંહે કહ્યું છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓના વર્ગો ઑનલાઇન લેવા જોઈએ. તેમજ નોઈડા અને ગ્રેટર નોઈડામાં લગભગ 1800 શાળાઓમાં રમતગમત, ઈવેન્ટ્સ અથવા મીટિંગ્સ જેવી કોઈપણ પ્રકારની આઉટડોર પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ દિલ્હી-NCRમાં ચોથા તબક્કાના અમલીકરણનો આદેશ આપ્યો છે. ચોથા તબક્કામાં દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતા વાહનો, આવશ્યક સેવાઓ પૂરી પાડતા અને CNG/ઈલેક્ટ્રિક ટ્રકો પર પ્રતિબંધ નથી.
દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં પણ વાયુ પ્રદૂષણની સમસ્યામાંથી કોઈ રાહત મળી નથી. શુક્રવારે સવારે 7 વાગ્યે વાયુ પ્રદૂષણનું સ્તર PM 2.5 નોંધાયું હતું. PM 2.5 નું સ્તર 400 થી ઉપર ચારમાંથી ત્રણ દિવસ માટે નોંધવામાં આવ્યું છે. શુક્રવાર સવારથી જ આકાશમાં ધુમ્મસ છવાઈ ગયું છે. પ્રદૂષણના કારણે લોકોની આંખોમાં બળતરા, ગળામાં દુખાવો તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદો વધી છે.