ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત વિધાનસભાની વર્ષ ૨૦૧૨ અને વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં કુલ ૩૪૯૪ ઉમેદવારોમાંથી ૨૭૪૨ને ડિપોઝીટ ગુમાવવી પડી છે.
વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૭૦૨ પુરુષ અને ૧૨૬ મહિલા એમ કુલ ૧૮૨૮ ઉમેદવારો હતા. આ પૈકી ૧૩૫૦ પુરુષ-૧૦૪ મહિલા એમ કુલ ૧૪૬૪ ઉમેદવારોને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૨૪૯ને ડિપોઝીટ ગુમાવવી પડી હતી, જેમાં ૨૨૫ પુરુષ-૨૪ મહિલાનો સમાવેશ થાય છે. બીજી તરફ સુરતમાંથી ૧૪૨, રાજકોટમાંથી ૮૮, મહેસાણામાંથી ૮૫, જામનગરમાંથી ૭૨, કચ્છમાંથી ૬૮, વડોદરામાંથી ૬૦, ભાવનગર-સુરેન્દ્રનગરમાંથી ૫૬, બનાસકાંઠામાંથી ૫૧ સાથે સૌથી વધુ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી. છેલ્લી બંને ચૂંટણીમાં કુલ ઉમેદવારોમાંથી ૭૫ ટકાથી વધારેને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે.
પક્ષ પ્રમાણે જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં ૨૯ ઉમેદવારોને ઉતાર્યા હતા અને તમામને ડિપોઝીટ ગુમાવવી પડી હતી. તો કોંગ્રેસના એક ઉમેદવારને પણ વિધાનસભાની ગત ચૂંટણીમાં ડિપોઝીટ ગુમાવવી પડી હતી. આ પૈકી બે બેઠકમાં ‘આપ’ના ઉમેદવારો માંડ ૨૮૨ અને ૨૯૯ મત મેળવી શક્યા હતા. વિધાનસભાની ગત ચૂંટણીમાં ‘આપ’નો વોટ શેર ૦.૦૩ ટકા જ્યારે ‘નોટા’ નો વોટ શેર ૧.૮ ટકા હતો.
ડિપોઝીટ એટલે શું ??
ઉમેદવારે વિધાનસભાની ચૂંટણી ઉભા રહેતી વખતે 5-10 કે 25 હજારની સિક્યુરિટી રકમની ડિપોઝીટ ચૂંટણી પંચને આપવી પડે છે. ઉમેદવારને તેના મતક્ષેત્રમાં કુલ માન્ય મતની સરખામણીએ છઠ્ઠા ભાગના મત પણ મળે નહીં તો તેની ડિપોઝીટ જપ્ત કરી લેવામાં આવે છે.
વર્ષ 2017 અને 2012ની ડિપોઝીટ :
પક્ષ | વર્ષ 2017 | વર્ષ 2012 |
બીએસપી | 139 | 163 |
એનસીપી | 56 | 07 |
આપ | 29 | — |
સીપીએમ | 05 | 09 |
સીપીઆઇ | 02 | 03 |
કોંગ્રેસ | 01 | 00 |
અપક્ષ | 783 | 662 |
કુલ | 1464 | 1288 |