ગુજરાત રાજ્યમાં ચૂંટણી માહોલ જામ્યો છે, તેવામાં સરકારી કર્મચારીઓએ પણ ટિકિટની માંગ કરી છે. આ મુદ્દે કોઇ કાર્યવાહી કરાઈ નથી તેથી સરકારી કર્મચારીઓ અને રાજકારણ વિશેના નિયમોનો અભ્યાસ કરતા બહાર આવ્યું છે કે સરકારી કર્મચારીઓ રાજકારણમાં ભાગ લેવાની વાત દૂર રહી તેઓ રાજકીય પક્ષોના ચિહ્ન પોતાના ઘરે કે કપડાં પર પણ રાખી શકતા નથી. આ નિયમો હોવા છતા ગુજરાતની આઈએએસ લોબી શિસ્તભંગ મામલે સિલેક્ટિવ મૌન રાખી તમાશો જોઇ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને હાલ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના અંગત મદદનીશ તરીકે લોન સેવામાં મુકાયેલા તેજસ ભટ્ટીએ રાજકોટ વિધાનસભા બેઠક 68 અને 69 માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે પોતાનો બાયોડેટા પક્ષમાં આપ્યો હતો અને તે દિવસે તેમણે જાહેરમાં કબૂલ્યું હતુ કે તેઓ ભાજપ માટે ઘણા સમયથી કામ કરી રહ્યા છે અને ટિકિટ આપશે તેવી આશા છે. આ જ રીતે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગમાં માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નાયબ નિયામક તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવતા દીપક વાઘેલાએ કાલાવડ બેઠક પરથી ટિકિટ મેળવવા માટે દાવેદારી કરી છે. તો સરકારી કર્મચારીઓની નિમણૂક થાય ત્યારથી જ સામાન્ય વહીવટ વિભાગના ગુજરાત રાજ્ય સેવા(વર્તણૂક) નિયમો 1971નું પાલન કરવાનું હોય છે. 28 નિયમો પૈકી નિયમ નં 5 રાજકારણ અને ચૂંટણીઓમાં ભાગ લેવા બાબત છે. જેના પેટા નિયમ 1માં સ્પષ્ટ લખાયેલું છે કે કોઇપણ સરકારી કર્મચારી રાજકીય પક્ષનો અથવા સામાન્ય રીતે રાજકારણમાં ભાગ લેતા કોઇપણ સંગઠનનો સભ્ય થઈ શકશે નહીં તેમજ બીજી કોઇ રીતે તેની સાથે સંબંધ રાખી શકશે નહીં કે કોઇપણ રાજકીય ચળવળ અથવા પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં તેમાં મદદરૂપે ફાળો આપી શકશે નહીં કે બીજી કોઇપણ રીતે તેને મદદ કરી શકશે નહીં.આવા ચાર પેટા નિયમ બાદ છેવટે સ્પષ્ટિકરણ પણ આપ્યું છે અને તેમાં કહ્યું છે કે, સરકારી કર્મચારી પોતાના શરીર, વાહન અથવા રહેઠાણ પર કોઇ ચૂંટણી પ્રતીક પ્રદર્શિત કરે તો આ પેટા-નિયમના અર્થઘટન પ્રમાણે તેણે ચૂંટણીમાં પોતાની વગનો ઉપયોગ કર્યો છે એમ માનવામાં આવશે તેમ છતાં સરકારી કર્મચારીઓ ચૂટણીમાં રસ લઈ રહ્યા છે.