- ચાંદીના 3 ઝુંમર, પ્રભુના સ્નાનનો ગ્લાસ, દાનપેટીમાં રહેલો ચઢાવો અને કબાટમાંથી 2500 ની ચોરી
- તસ્કરોએ મંદિરના તાળા, દાનપેટી અને કબાટ તોડ્યા
- ભગવાનના મુઘટ અને ઝર-ઝવેરાત રાતે ઘરે લઈ જવાતા હોય બચી ગયા
ભરૂચના શુકલતીર્થ ગામે દેવઉઠી એકાદશીથી પાંચ દિવસની પૌરાણિક જાત્રા-મેળો શરૂ થાય તે પેહલા જ ભગવાનના ઘરના તાળા તૂટ્યા હતા.
સૈકાઓથી શુકલેશ્વર મહાદેવ અને રેવામાંથી હુંકાર કરી સ્વયંભૂ પ્રગટ થયેલા વિષ્ણુ ભગવાનના માનમાં અહીં પાંચ દિવસીય મેળો ભરાય છે. આ પાંચ દિવસ શુકલતીર્થમાં દેવો સૂક્ષ્મ રૂપે હાજર રહેતા હોવાની માન્યતા છે. જેના માનમાં આ જાત્રા મેળો યોજાય છે તેવા હુંકારનાથ અપભ્રંશ બાદ ઓમકારનાથ મંદિરને જ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ભગવાન વિષ્ણુની સ્વંયભુ ઉભી શ્વેત પ્રતિમા આ મંદિરમાં બિરાજમાન છે.

મંદિરમાં ત્રાટકેલા તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ભગવાન ઉપર રહેલા ચાંદીના 3 ઝુંમર, પ્રભુને સ્નાન કરાવવાનો જર્મન ગ્લાસની ચોરી કરી હતી. દાન પેટી પણ તોડી તેમાંથી રોકડા અને પરચુરણ કાઢી લીધું હતું. જ્યારે મંદિરમાં આવેલ કબાટના તાળા તોડી અંદર રહેલા ભગવાનના વસ્ત્રો વેરવિખેર કરી પૂજારીએ મુકેલા રોકડા 2500 પણ ચોરી કરી લીધા હતા.
સવારે પૂજારીને આ ઘટનાની જાણ થતા ટ્રસ્ટીઓ અને પોલીસને જાણકારી આપવામાં આવી હતી. મંદિરમાં ચોરીને લઈ ગ્રામજનો પણ વિચારમાં મુકાઈ ગયા હતા. પૂજારીએ કહ્યું હતું કે, ભગવાનના મુઘટ અને ઝર ઝવેરાત રાતે લઈ જવાતા હોવાથી બચી ગયા હતા. ઘટના અંગે નબીપુર પોલીસે દોડી આવી વધુ તપાસ સાથે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.