- જાહેર થયેલ ડો.તશ્વીન સિંગ કોંગ્રેસ માટે અત્યંત નવો અને અજાણ્યો ચહેરો
- ત્રણ દિવસ પહેલાં સુધી NCPના શહેર મહિલા પ્રમુખ હવે કોંગ્રેસનાં ઉમેદવાર
ગઇકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં સૌથી આશ્ચર્યજનક નામ હોય તો વડોદરાની માંજલપુર બેઠક પરના ડો. ડો.તસ્વિન સીંગ. આ નામ જાહેર કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી છે. આટલુ જ નહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાની નારાજગી વ્યકત કરવા માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. ઉમેદવાર બદલો…ઉમેદવાર બદલોના સૂત્રોચાર કરી રહ્યા છે.કાર્યકર્તાઓએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે માંજલપુર બેઠક પર જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. કોંગ્રેસની આટલી ખરાબ પરિસ્થિતિ હોય અને છતાં પાયાના નથી તેવા ઉમેદવારોને ટિકીટ આપે છે. કાર્યકરો ઉમેદવારને નથી ઓળખતા, ઉમેદવાર કાર્યકરોને નથી ઓળખતા અને માત્ર ઉપરથી હેલીકોપ્ટર ઉતારી દે તો શું મજૂરી કરવા માટે કોંગ્રેસનો કાર્યકર બન્યો છે. અમે કોંગ્રેસની સાથે જ છીએ. કોંગ્રેસ અમારી માં છે. અમે કોંગ્રેસને વર્ષો આપ્યા છે.

પરંતુ જો માંજલપુર બેઠક પર આ ઉમેદવાર હશે તો અન્ય બેઠક પર જઇને કોંગ્રેસનો પ્રચાર કરીશુ, પરંતુ આ ઉમેદવારને સપોર્ટ નહીં કરીએ તેમ જણાવ્યુ હતુ.વધુ એક કોંગી કાર્યકરે જણાવ્યુ હતુ કે ક્યાંકને ક્યાંક પૈસાના જોરે આ બહેનને ટિકીટ મળી છે. જો આ બહેન ઉમેદવાર રહેશે તો અમે માંજલપુર બેઠક પર સંપૂર્ણ રીતે નિષ્ક્રિય રહીને અન્ય વિધાનસભા બેઠક પર જઇને પ્રચાર કરીશું.વધુમાં જણાવ્યુ હતુ કે ઉમેદવારને ટિકીટ આપવામાં આવી તે બહેન છેલ્લા બે દિવસથી કોંગ્રેસમાં આવ્યા છે જ્યારે અમે છેલ્લા 25 વર્ષથી કામ કરીએ છીએ. જો કોંગ્રેસ આ જ ઉમેદવારને રાખશે તો એક લાખ જેટલા વોટથી હાર થશે તેવી પરિસ્થિતિ છે તેમ જણાવ્યુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ માંજલપુર વિધાનસભાના કાર્યકરો અને હોદ્દેદારો ઉમેદવાર બદલોની માંગ સાથે કોંગ્રેસ કાર્યાલયે એકઠા થયા હતા. અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેઓની માંગ છે કે ઉમેદવાર બદલશે તો જ માંજલપુર વિધાનસભા બેઠક પર અમે કામ કરીશુ. અન્યથા કોંગ્રેસ પાર્ટી માટે જ કામ કરીશું પરંતુ બીજી વિધાનસભા બેઠક પર જઇને પ્રચાર કરીશું.
(ઇનપુટ: જીતેન્દ્ર રાજપૂત , વડોદરા)