કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ વર્ષોથી જોવા મળી રહી છે. આ વખતની ચૂંટણીમાં રહસ્યમય રીતે કામ કરી રહેલી કોંગ્રેસ રોજબરોજ નવા દાવ ખેલી રહી છે. ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે પણ અશોક ગેહલોત સાથેની મુલાકાત બાદ ભાજપને રામ રામ કરી દીધા છે. ત્યારે હવે જય નારાયણ વ્યાસની કોંગ્રેસમાં આવવાની અટકળો વધારે તેજ બની છે. જોકે કોંગ્રેસમાં એક વ્યાસ આવશે તો એક વ્યાસ કોંગ્રેસ સાથે છેડો ફાડશે. એઆઈસીસીના સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા હિમાંશુ વ્યાસ કોંગ્રેસમાંથી આજે રાજીનામું આપશે. હિમાંશુ વ્યાસ ટેક્નોક્રેટ સામ પિત્રોડાના અંગત અને નજીકના માનવામાં આવે છે.
વઢવાણ બેઠક પરથી બે વખત કોંગ્રેસના ઉમેદવાર
કોંગ્રેસના એક સમયના ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સેક્રેટરી રહી ચૂકેલા હિમાંશુ વ્યાસ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ ચાલી રહ્યા છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તથા તેમના ટીમ દ્વારા સતત હિમાંશુ વ્યાસની અવગણના થઈ રહી છે. ત્યારે હવે આ નારાજગી પક્ષ સાથે છેડો ફાડવાની સ્થિતિ સુધી પહોંચી ગઈ છે.
હિમાંશુ વ્યાસ પોતાનું રાજીનામું કેન્દ્રીય મોવડીમંડળને આપવાના છે અને રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે જ ભાજપનો ખેસ પણ ધારણ કરી લેશે. હિમાંશુ વ્યાસ સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠક પરથી બે વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે.
મને એક વર્ષથી લાગતું હતું કે મારે કોંગ્રેસ છોડવી જોઈએ
તેમણે કહ્યું હતું કે હું પબ્લિક લાઈફમાં ઘણા વખતથી છું. લોકોની સેવા કરવાનું મારું ધ્યેય રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીને છેલ્લા એક વર્ષથી હું જે રીતે જોઈ રહ્યો છું એમાં બહુ ઉપયોગિતા જણાતી નથી એવું મને લાગે છે. એના સંદર્ભમાં મારો અંતરઆત્માનો અવાજ એવું કહે છે કે જ્યાં લોકોનાં કામો વધુ થઈ શકે ત્યાં જોડાઈશું તો આપણે પ્રજાને વધુ મદદરૂપ થઈ શકીશું, જેથી હું આ પગલું ઉઠાવી રહ્યો છું.
આજે કમલમમાં ભાજપનો ખેસ ધારણ કરશે
તેમણે કહ્યું હતું કે એવી કોઈ નારાજગી કોઈના માટે નથી, પણ એક સ્થિતિ એવી ઊભી થઈ છે કે જ્યાં સાચા અને સારા માણસો માટે કામ કરવાની તકો હવે નથી રહી. કરેલાં કામોની કોઈ કદર નથી. ભૂતકાળમાં દુબાઈમાં રાહુલ ગાંધી માટે 50 હજાર લોકોનો મોટો કાર્યક્રમ કર્યો. એ પછી પણ પક્ષ દ્વારા કોઈ કદર કરવામાં નથી આવી. જેથી મેં એવું નક્કી કર્યું છે કે હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપવું. આજે હું કમલમ ખાતે જ ભાજપમાં જોડાઈશ, કારણ કે ગુજરાત ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની મીટિંગ ત્યાં ચાલી રહી છે, એટલે એ લોકોએ મને ત્યાં જ બોલાવ્યો છે.
ટિકિટ કે કોઈ બીજી બાબતની માગણી પણ કરી નથી
મેં ભાજપ પાસે ટિકિટ કે કોઈ બીજી બાબતની માગણી પણ કરી નથી. કોઈ ડિસ્કશન કે કોઈ કમિટમેન્ટ પણ નથી થયું. હું હંમેશાં સંગઠનનો માણસ રહ્યો છું. કોંગ્રેસમાં પણ જુદા જુદા સ્તરે સારામાં સારી કામગીરી કરી છે. ભાજપમાં પણ મને જે કોઈ કામ આપવામાં આવશે એ હું રસ ધરાવીને કરીશ. હું સુરેન્દ્રનગરથી ચૂંટણી હાર્યો હતો. તેમ છતાં પણ ત્યાંના લોકોનાં કામ આજે પણ કરું છું, પરંતુ મને એમ લાગ્યું કે ભાજપ સાથે રહીશ તો વધારે સારી રીતે કામો કરી શકીશ. મારા પોતાનાં કોઈ સપનાં નથી. મારા માટે કામગીરી મહત્ત્વની છે. જૂથવાદ સાથે મારે કોઈ લેવા-દેવા નથી