વડોદરા શહેર નજીક આવેલ મહીસાગર નદીના બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચેલા યુવક-યુવતીને બચાવી નંદેસરી પોલીસ સ્ટેશનમાં PCR વાનના ડ્રાયવર રામદાસ મેડા બંને માટે દેવદૂત સાબિત થયા છે. ઉલ્લેખનીય છે કે, યુવક અને યુવતીએ એકબીજાના હાથ બાંધી લીધા હતા અને નદીમાં કૂદવાની તૈયારીમાં હતા. વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં કોન્ટ્રાક્ટના ડ્રાઇવર તરીકે નોકરી કરતા રામદાસ મેડાએ જણાવ્યું હતું કે, શુક્રવાર રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ માહિતી મળી હતી કે, વાસદ બ્રિજ પર એક યુવક અને યુવતી ઘણા સમયથી ઉભા છે અને રડી રહ્યા છે. સાથે જ તેઓએ એકબીજાના હાથ પણ દુપટ્ટાથી બાંધેલા છે. બંને કદાચ નદીમાં કૂદી આત્મહત્યા કરે તેમ લાગી રહ્યું છે. જેથી તેઓ PCR લઇને તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. રામદાસ મેડાએ જણાવ્યું કે, વાસદ બ્રિજ પર યુગલો દ્વારા આત્મહત્યાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. એટલે જેવી મને જાણ થઈ કે, હું ઝડપથી ગાડી લઇને બ્રિજ તરફ ગયો. આ દરમિયાન મેં ગાડીની ઉપર પોલીસની લાઇટ હોય છે. એ પણ બંધ કરી દીધી કારણ કે કોઈ કપલ હોય અને પોલીસ આવી રહી છે અને તેમની પૂછપરછ કરશે તેવા ડરે તેઓ કદાચ અમે પહોંચીએ તે ઘડીએ જ કૂદી જાય તો તેમને પાણીમાં બચાવવા મુશ્કેલ બને. જેથી ગાડીની ઉપરની લાઇટ બંધ કરી તેમની બાજુમાં ગાડી ઉભી રાખે બંનેને પકડી લીધા. રામદાસે કહ્યું કે, જ્યારે બંને યુવક-યુવતીને પકડી લીધા ત્યારે બંને એકબીજાનો હાથ દુપટ્ટાથી બાંધી રાખ્યો હતો અને તેઓ નદીમાં કૂદવાની તૈયારીમાં જ હતા. પોલીસ દ્વારા તેમનું રેસ્ક્યૂ કરી લેવામાં આવતા યુવક અને યુવતી ગભરાઈ ગયા હતા અને ગોળ ગોળ જવાબ આપવા લાગ્યા હતા. યુવતી પહેલા તો યુવક તેનો ભાઇ છે અને યુવતી પોતે પરણિત છે તેવા ખોટા જવાબો આપ્યા હતા. રામદાસે જણાવ્યું હતું કે, જ્યારે બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ સમજાવ્યા કે, આત્મહત્યા કરવી એ જોઇ સમસ્યાનું સમાધાન નથી. જ્યાર બાદ બંનેના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા. અને નડિયાદના યુવક તેમજ વાસદની યુવતીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા.