ઇંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસનું પહેલું ડબલ વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ ગયેલી T20 વર્લ્ડ કપના ફાઈનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને બીજીવાર T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો હતો. આમ તો વન-ડે વર્લ્ડ કપમાં પણ હાલ તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. વર્ષ 2019માં તેઓ વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. અને હવે તેઓ T20 વર્લ્ડ કપ પણ જીતી ગયા છે. ત્યારે ઇંગ્લેન્ડ પહેલી ટીમ બની છે કે જેમની પાસે ODI અને T20, બન્ને વર્લ્ડ કપના ટાઈટલ છે.
ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ જીતી ગઈ છે. ત્યારે તેમને હવે ICC તરફથી પ્રાઇસ મનીમાં 13 કરોડ રૂપિયા મળ્યા છે. તો રનર-અપ પાકિસ્તાનની ટીમને અંદાજે 6 કરોડ 44 લાખ રૂપિયા મળ્યા છે.
ICCએ આ વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં જ પ્રાઇસ મની જાહેર કરી દીધી હતા, જેમાં વિજેતા ટીમથી લઈને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર થનારી ટીમ, બધાને પ્રાઇસ મની આપવામાં આવી છે. બધાના ટોટલ કરવામાં આવે તો ICCએ ટૂર્નામેન્ટમાં કુલ 45 કરોડ 68 લાખ રૂપિયા પ્રાઇસ મની આપી છે.
ટીમ ઈન્ડિયાને અંદાજે 4 કરોડ 25 લાખ રૂપિયા મળ્યા
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને 4 કરોડ 25 લાખ રૂપિયા મળ્યા છે. વાત એમ છે કે ટીમ ઈન્ડિયા સેમી-ફાઈનલમાં હારી ગઈ, એટલે તેને 3.22 કરોડ મળ્યા હતા, પરંતુ ટીમ સુપર-12માં 5માંથી 4 મેચ જીતી હતી, એટલે ટીમને તેની પણ પ્રાઇસ મની મળી હતી. કુલ મળીને આ રકમ અંદાજે 4 કરોડ 25 લાખ થાય છે.
ઇંગ્લેન્ડ ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું
ઇંગ્લેન્ડે 2010માં T20 વર્લ્ડ કપ અને 2019માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે. આ ઇંગ્લેન્ડનો બીજો T20 વર્લ્ડ કપ છે. વેસ્ટઈન્ડીઝ પછી ઇંગ્લેન્ડ એવી બીજી ટીમ છે કે જેણે બે વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે.