મિઝોરમમાં સોમવારે પથ્થરની ખાણમાં ફસાઈ ગયા બાદ મંગળવારે બિહારના 8 મજૂરોના મૃતદેહ મળી આવ્યા હતા. અન્ય 4 મજૂરોની શોધ હજુ ચાલુ છે. જેઓ હજુ પણ ફસાયેલા હોવાની આશંકા સેવાઇ રહી છે.
મિઝોરમમાં સોમવારે પથ્થરની ખાણમાં ધસી પડતા બિહારના એક ડઝન મજૂરો ફસાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એબીસીઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના મજૂરો હંથિયાલ જિલ્લાના મૌદરહ ગામમાં ખાણમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. હંથિયાલ જિલ્લાના એડિશનલ ડેપ્યુટી કમિશનર સૈજિકપુઈએ જણાવ્યું હતું કે, “મિઝોરમના હંથિયાલ જિલ્લામાં પથ્થરની ખાણ ધરાશાયી થતાં 15-20 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટના હંથિયાલ જિલ્લાના મૌદરહ વિસ્તારમાં બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી.” પોલીસ અધિક્ષક વિનીત કુમારે જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલુ છે અને સાંજે 7.30 વાગ્યા સુધી કાટમાળમાંથી કોઈ વ્યક્તિને બચાવી શકાયા નથી. ઘટના બાદ તરત જ હનાથિયાલ જિલ્લાના અધિકારીઓ અને મેડિકલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.