- BTP, ભાજપ, કોંગ્રેસ, આપ બધા ને અપક્ષ છોટુ વસાવા એકલા જ કાફી
- આદિવાસી બેઠકના એક પણ ઉમેદવારે કોલેજ જોઈ નથી, તમામ કરે છે ખેતી
ભરૂચ જિલ્લાની વિધાનસભાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર ગુજરાત જ નહીં કેન્દ્ર પણ નજર જમાવી ને આ વખતે બેઠું છે. વર્ષ 1962 થી ગુજરાત વિધાનસભાની પેહલી ચૂંટણીથી અત્યાર સુધી ભાજપ આ બેઠક જીતી શકી નથી. આ વખતે પિતા-પુત્ર વચ્ચે સીધો પારિવારિક ચૂંટણી જંગ હોય ભાજપ બેઠક તેની ઝોળીમાં આવવાની આશ લગાવી બેઠું છે.
સાત ટર્મથી અજય છોટુ વસાવા પુત્રના કારણે અપક્ષ ઉમેદવાર
જિલ્લાની પાંચેય બેઠકોમાં છોટુ વસાવા સૌથી વધુ ઉંમરના ઉમેદવાર છે. તેમની વય 77 વર્ષની છે. તેની સાથે જ તેઓ સતત સાત ટર્મથી ઝઘડિયા બેઠક પરથી જીતતા આવ્યા હોય એકહથ્થુ આ બેઠક પર તેમનું રાજ છે. ઓલ્ડ SSC ભણેલા છોટુભાઈ ખેતી અને રાજકારણમાં રચ્યા પચ્યા રહે છે. તેઓ રીટર્ન ભરતા નથી. તેમની સામે ઝઘડિયા પોલીસ મથકે 16 અને વાલિયા પોલીસ મથકે 9 ફરીયાદ નોંધાયેલી છે. તેમની પાસે 10 તોલા સોનુ, બે ટ્રેકટર સહિત 57 એકર ખેતીની જમીન છે. સ્થાવર અને જંગમ મિલકત મળી કુલ સંપત્તિ રૂપિયા 1.75 કરોડની મિલકત છે.
BTP ના ઉમેદવાર સામે પણ પિતા જેટલા જ 25 પોલીસ કેસ
બિટીપીના મહેશ વસાવા 55 વર્ષના છે. તેઓ ધોરણ 12 નાપાસ છે. તેઓ ખેતી અને વ્યવસાય કરે છે. અંકલેશ્વર કોર્ટે 3 વર્ષની સાદી કેદની સજા કરેલી જેમાં જામીન મુક્ત છે. જ્યારે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં 15, વાલિયામાં 8 અને ડેડીયાપાડા પોલીસ સ્ટેશને 2 કેસ નોંધાયેલા છે. તેમની અને તેમની પત્ની પાસે ફોર્ચ્યુનર, ઇનોવા કાર, 3 JCB સહિત ₹2.15 લાખની સ્થાવર અને જંગમ મિલકતો છે. જ્યારે તેમની 89.42 લાખની બેંક લોન છે.
ભાજપના ઉમેદવાર ધોરણ 9 પાસ, બે કરોડની કુલ મિલકતો
ભાજપના 46 વર્ષીય ઉમેદવાર રીતેશ વસાવા ધોરણ 9 પાસ છે. તેઓ પણ ઝઘડિયાના અન્ય ઉમેદવારોની જેમ ખેતી જ કરે છે. તમેની પાસે 37.24 લાખની કાર, 17 તોલા સોનુ, ખેતી, રહેણાંક મકાન મળી સ્થાવર તેમજ જંગમ 2.03 કરોડની મિલકતો છે. જ્યારે બેંકની 30 લાખની લોન ચાલે છે.
કોંગ્રેસના ફતેસિંહ વસાવા પાંચ ચોપડી ભણેલા, 3 વર્ષની સજામાં જામીન મુક્ત
કોંગ્રેસના 42 વર્ષીય યુવા ઉમેદવાર પણ યુવા બાહુબલી છે. ખેતીકામ કરતા તેઓ ધોરણ 5 ભણેલા છે. મારા મારીના ગુનામાં 3 વર્ષની સજાનો હુકમ થયો હતો. જેમાં જામીન મુક્ત છે. બેંકમાં તેમની પણ 35 લાખની લોન ચાલે છે. ખેતીની જમીન, મકાન મળી રૂપિયા 1.47 કરોડની કુલ સંયુક્ત સંપત્તિ ધરાવે છે.
પાંચેય બેઠકો ઉપર આપની એકમાત્ર મહિલા ઉમેદવાર
ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ, બિટીપીએ કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી. અપક્ષમાંથી પણ કોઈ મહિલા ઉમેદવાર ઉભી રહી નથી. એકમાત્ર આપે ઝઘડિયા ઉપર 46 વર્ષીય ઊર્મિલા ભગતને ટિકિટ આપી છે. તેઓના સોંગદનામાંમાં અભ્યાસને લઈ વિરોધાભાસ જોવા મળે છે. એક જગ્યાએ તેઓએ ધોરણ 12 પાસ લખ્યું છે તો બીજી જગ્યાએ બી.પી.ઇ.ડી. દર્શાવ્યું છે. તેમના પતિ સરકારી સ્કૂલમાં શિક્ષક છે. પતિનું રીટર્ન 6.21 લાખ છે. સાત તોલા સોનું મકાન મળી સ્થાવર તેમજ જંગમ મિલકત કુલ 80.75 લાખ છે. જેની સામે ગોલ્ડ લોન 2.36 લાખ અને હોમ લોન 8.50 લાખની છે.